સ્વચ્છતા અભિયાન હેઠળ પાલનપુર તાલુકાના જલોત્રા ગામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી સામુહિક ગ્રામ સફાઇ કાર્યક્રમમાં જોડાયા હતા. અધ્યક્ષશ્રીએ જલોત્રા ગામના ગ્રામજનો સાથે સફાઇ કરી ગામલોકોને પોતાના ગામની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
આગામી ૩૦ મી તારીખે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મા જગદંબાના દર્શન કરવા અંબાજી ખાતે આવી રહ્યા છે ત્યારે તેમને ગમતું સ્વચ્છતાનું કામ કરી વડાપ્રધાનશ્રીને આવકારીએ. આગામી ત્રણ દિવસ સુધી દરેક ગામોમાં સફાઇ અભિયાન ચલાવી આપણા ગામને સ્વચ્છ અને ચોખ્ખુ બનાવીએ. આ કામ માટે ગામના વડીલોએ આગેવાની લઇ ટ્રેક્ટર, મશીનો જેવા સાધનોનો ઉપયોગ કરીને યુવાનોને પણ પ્રેરણા મળે તેવું કામ કરવા અધ્યક્ષશ્રીએ ગ્રામજનોને અપીલ કરી હતી.

અધ્યક્ષશ્રીએ કહ્યું કે, પોતાનું ઘર, ગામ ચોખ્ખુ રાખી સ્વચ્છતાને આપણો જીવન મંત્ર બનાવીએ. આપણા ગામને સ્વચ્છ રાખવું એ આપણી સૌની સહિયારી જવાબદારી છે. સ્વચ્છતાનું કામ માત્ર ફોટો પડાવવા માટે નથી પરંતુ ફોટો એટલા માટે પડાવવામાં આવે છે બીજા લોકોને આ કામ કરવાની પ્રેરણા મળે. ગામની માતા- બહેનોને અપીલ કરતા અધ્યક્ષશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વચ્છતાની વાત કરે છે ત્યારે આપણા ઘરની સાથે સાથે ગામની ગલીઓ, શેરીઓ, મહોલ્લાઓમાં સફાઇ કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાઇએ. નવરાત્રિ હમણાં જ ગઇ છે, હવે ધનતેરસ અને દિવાળીનો તહેવાર પણ આવી રહ્યાં છે. દિવાળી પહેલાં સફાઇ કરવી એ આપણી પરંપરા છે ત્યારે દરેક દૂધ મંડળીઓ, દરેક ગ્રામ પંચાયતો તથા સામાજિક અને રાજકીય આગેવાનો સફાઇ કામમાં જોડાઇને ગામના લોકોને પ્રેરણા મળે તેવું સ્વચ્છતાનું કામ કરીએ. ગમે ત્યાં પ્લાસ્ટીક ન ફેંકવું અને ગામને સ્વચ્છ રાખવું એ પણ મોટી સેવાનું કામ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, સરપંચશ્રી મહેશભાઇ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટરશ્રી પી. જે. ચૌધરી સહિત ડિરેક્ટરશ્રીઓ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેનશ્રી કરશનભાઇ ચૌધરી અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો સામૂહિક સફાઇ કાર્યક્રમમાં જોડાયા હતા.