રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧ લી ઓગષ્ટ-૨૦૨૩ થી તા. ૭ ઓગષ્ટ-૨૦૨૩ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની વિશાળ રેલી યોજાઇ હતી. પાલનપુર સીવીલ હોસ્પિટલ ખાતેથી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિરણબેન દેવન્દ્રભાઇ રાવલ અને પાલનપુર પ્રાંત અધિકારીશ્રી પી. સી. દવેએ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જે રેલી શહેરના વિવિધ રૂટ પર ફરીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે સભાના સ્વરૂપમાં ફેરવાઇ હતી. ડી.આર.ડી.એ.ના સભાખંડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા સેલ્ફ ડિફેન્સ અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું

નારીશક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલ આ રેલીમાં ર્ડાક્ટર, નર્સ, પોલીસ, એન.સી.સી. ૩૫ બટાલિયન, ૧૮૧ મહિલા હેલ્પલાઇન સહિત શહેરની મહિલાઓ અને યુવતીઓ જોડાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા. ૧ લી ઓગષ્ટના રોજ “મહિલા સુરક્ષા દિવસ”, તા. ૨ જી ઓગષ્ટના રોજ “બેટી બચાવો બેટી પઢાઓ” તા. ૩ જી ઓગષ્ટના રોજ “મહિલા સ્વાવલંબન દિવસ” તા. ૪ થી ઓગષ્ટના રોજ “મહિલા નેતૃત્વ દિવસ”, તા. ૫ મી ઓગષ્ટના રોજ “મહિલા કર્મયોગી દિવસ”, ૬ ઠી ઓગષ્ટના રોજ “મહિલા કલ્યાણ દિવસ” તા. ૭ મી ઓગષ્ટના રોજ “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” ની ઉજવણી કરાશે. જેમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ સહભાગી બનશે.
આ પ્રસંગે સીવીલ સુપ્રિટેન્ડેન્ટશ્રી ર્ડા. સુનિલ જોષી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી રમીલાબા ચાવડા, આઇ.સી.ડી.એસ.ના અધિકારીશ્રી જીજ્ઞાબેન, સાઇબર ક્રાઇમના શ્રી શૈલેષભાઇ લુવા સહિત વિવિધ કચેરીના અધિકારીઓ અને સારી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.