ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાઈવે વિસ્તાર પર હેવી વાહનોના ગફલત ડ્રાઇવિંગ ના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના ડીસા પાટણ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો.જેમાં ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આજે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સજાયો હતો ખરડોસણ ગામનો રાવળ પરિવાર શાકભાજી લઈને રિક્ષામાં ડીસા થી પરત ઘર તરફ જઈ રહ્યા હતા, તે સમયે જુનાડીસા પાસે સામેથી આવી રહેલી ટ્રક અને રિક્ષા વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં રીક્ષા ના ફુરચે ફુડચા ઉડી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષાચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા તેમજ ઇજાગ્રસ્ત લોકો હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.જ્યાં સારવાર દરમ્યાન ડાહ્યાભાઈ રાવળનું પણ મોત નીપજ્યું હતું.આ બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે