આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે પાવાગઢ ખાતેથી સૂઇગામ તાલુકાના નડાબેટ વુલ્ફ (નાર) સોફ્ટ રીલિઝ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરાશે

આગામી તા. ૩ ઓગષ્ટ-૨૦૨૩ના રોજ પાવાગઢ મુકામે વન મહોત્સવ અને વન કવચના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે અને વન મંત્રીશ્રી મુળુભાઇ બેરા તથા રાજયકક્ષાના વન મંત્રીશ્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે વુલ્ફ (નાર) સોફ્ટ રીલિઝ સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે.


બનાસકાંઠા જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી પી. જે. ચૌધરીના જણાવ્યા મુજબ વુલ્ફ સોફ્ટ રીલિઝ સેન્ટર લોકાર્પણ થયા બાદ વરૂઓને સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મદદનીશ વન સંરક્ષકશ્રી કનકબા રાઠોડ તેમજ થરાદ પરીક્ષેત્ર વન અધિકારીશ્રી સી.એમ.બારડના જણાવ્યા મુજબ આ સેન્ટરમાં ૪ હેકટર વિસ્તારમાં વરુ માટે કુદરતી આવાસ માટે પ્રિ-રીલિઝ કેજ તથા ૧ હેક્ટર વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓ માટે કેજ બનાવવામાં આવ્યા છે. અહીં વરૂ સારવાર અને નિરીક્ષણ માટે એનિમલ હાઉસ, મોનીટરીંગ યુનિટ, મેડીકલ યુનીટ સહિતની તમામ સુવિધાઓથી સજ્જ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજયના બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ દિશાએ પાકિસ્તાન સરહદ નજીક ૨૫૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ જંગલને નડાબેટ જંગલ તરીકે ઓળખવામાં આવે છે.
નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. અહીં નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. નડાબેટ બેટમાં અલગ અલગ બેટ આવેલ છે. નડાબેટ તેમજ આજુબાજુના બેટ વિસ્તારમાં વરૂ (નાર) નો સુરક્ષિત આશ્રયસ્થાન રહેણાંક રહેલ છે, જયાં પહેલા નાર મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા. વાવ અને સૂઇગામ તાલુકાનો વિસ્તાર વરૂઓને અનુકુળ વાતાવરણ હોઈ વરૂ પ્રજાતિને આ વિસ્તાર માફક આવે છે. આ વિસ્તારમાં ચિંકારા, ઘુડખર, નીલગાય, જંગલી ભુંડ, સસલા જેવા વન્યપ્રાણીઓ પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
છેલ્લા દશકાઓથી વરૂની સંખ્યામાં સમગ્ર દેશમાં ચિંતાજનક ઘટાડો થયો છે. જેના પરિણામે નીલગાય, જંગલી ભુંડ જેવા ગુણાહારી પ્રાણીઓની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. જે પ્રાણીઓ દ્વારા રેવન્યુ વિસ્તારમાં ખેડુતોના ઉભા પાકને નુકસાન કરે છે, ગીર ફાઉંડેશન દ્વાર હાથ ધરાયેલ નીલગાય વસ્તી આકલન અહેવાલ અનુંસાર બનાસકાંઠા જિલ્લામાં ૩૩ હજારથી વધુ નીલગાય નોંધાયેલ છે તેને કુદરતી રીતે નિયંત્રિત કરવા માટે આ વિસ્તારમાં વરૂઓની સંખ્યા વધારવી ખુબ જ જરૂરી છે.


સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જુનાગઢ ખાતે વરુ સંવર્ધન કેંદ્રમાં છેલ્લા ૫ વર્ષમાં અંદાજીત ૭૦ જેટલા બાળ વરુઓનો જન્મ થયેલ છે. જે બાળ વરૂઓને કુદરતી અવસ્થામા પુન:સ્થાપિત કરવા ગુજરાત સરકારશ્રી દ્વારા ઉક્ત દર્શાવેલ વિગતો નીલગાય, જંગલી ભુંડ જેવા ગુણાહારી પ્રાણીઓની સંખ્યા પર કુદરતી રીતે નિયંત્રણ કરવા માટે બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ઘુડખર અભ્યારણ વિસ્તારમા વરૂ સોફ્ટ રિલિઝ સેન્ટર બનાવવાનું નક્કી થયેલું છે જે ખુબ ઉપયોગી સાબિત થશે. આ સેન્ટરમાં બાળ વરુઓ કુદરતી અવસ્થામાં મુક્ત થતા પહેલાં જંગલ વિસ્તારમાં જીવન ગુજરાવા અંગેની સ્થાનિક વાતાવરણ ખાતે સુમેળ સાધવા અંગેની તાલીમ આપવામા આવશે. જે બાદ કુદરતી અવસ્થામાં મુક્ત કરવામા આવશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version