ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો

         અરવલ્લીની ગિરીમાળાઓ અને ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર્વત આજુબાજુ આવેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ નજીક પર્વતીય વિસ્તારમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષશ્રીએ બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકાના ખેડૂતોની ટીમોને સીડ બોલનું વિતરણ કરી આ અભિયાનની શરૂઆત કરાવી હતી.

         સીડ બોલ પદ્ધતિથી વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવતા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા આહવાન કર્યું છે. જેને પગલે રાજ્ય સરકારના વન વિભાગ અને બનાસ ડેરીએ વૃક્ષારોપણ માટે અભિયાન ઉપાડ્યું છે. અરવલ્લીની ગિરીમાળાના પર્વતો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા જ્યાં માણસ ન પહોંચી શકે ત્યાં ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી સીડ બોલ વાવીને વનરાજીનો વિસ્તાર વધારવો છે. જિલ્લાને હરિયાળો બનાવવા બનાસ ડેરીના માધ્યમથી છેલ્લા ત્રણેક વર્ષથી  ખેડૂતોએ અભિયાન ઉપાડ્યું છે. ટેક્નોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું છે.

          અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ભૂતકાળમાં આપણો જિલ્લો જંગલોથી ભરપૂર હરિયાળો હતો, બનાસ નદી જંગલોની વચ્ચેથી ધસમતા પ્રવાહ સાથે વહેતી હતી એટલે જ આ જિલ્લાનું નામ બનાસ નદી પરથી બનાસકાંઠા પડ્યું છે. આ જિલ્લાને ફરીથી લીલોછમ હરિયાળો બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષ વાવી વૈચારિક ક્રાંતિ લાવવી છે. પ્રકૃતિને સમજવા તથા તેના જતન પર ભાર મુકતા તેમણે કહ્યું કે, આજે વૃક્ષારોપણ માટે પ્રકૃતિએ આપણને નિમિત્ત બનાવ્યા છે ત્યારે માં જગદંબાના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરી સૂકા પર્વતોએ લીલી ચાદર ઓઢી હોય તેવા લીલાછમ- હરિયાળા બનાવીએ. શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વૃક્ષ ઉછેરનું પવિત્ર કામ કરીને પ્રકૃતિનું જતન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

         આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેનશ્રી ભાવાભાઇ રબારી, બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, નાયબ વન સંરક્ષકશ્રી પરેશ ચૌધરી, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદારશ્રી સિદ્ધિ વર્મા સહિત વન વિભાગ અને બનાસ ડેરીના અધિકારી- પદાધિકારીઓ અને ખેડૂતો સારી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version