ધાનેરામાં નવગ્રહ સોસાયટીમાં રહેતા તબીબ ડો.યોગેશભાઈ શર્માના ઘરે બુધવારે તેમનાં ધર્મપત્નિ સુદેશ બેન એકલા હતા. ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખોલતાની સાથે એક શખ્સ ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસ્યો હતો. અને મહિલાનાં ગળામાંથી મંગળસૂત્ર ખેચી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તબીબ પત્નીએ તેને પકડી લીધો હતો. જે મહિલાના હાથ પર બચકું ભરી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુ રહેતા પાડોશીઓ દોડી આવી ઇસમ ને પકડી પાડ્યો હતો. લૂંટ, ચોરી અને હુમલાના ઇરાદા સાથે આવેલા ઇસમ ના મોંઢામાં બ્લેડ અને સાથે ચાકુ પણ હતું. ધાનેરા પોલીસને જાણ કરાતાં ધાનેરા પોલીસએ દોડી આવી ઇસમ ને પકડી ધાનેરા પોલીસ મથકે લઇ જવાયો હતો. આ બનાવના એક કલાક પહેલા પૂર્વ ધારાસભ્યના પુત્ર રમેશભાઈ નાથાભાઇ પટેલના ઘરે પણ દરવાજો ખોલવાની કોશિષ કરી હતી પરંતુ રમેશભાઈ હાજર હોઇ તેને ધક્કો મારી કાઢી મુક્યો હતો.આ બનાવ શહેરમાં ચકચાર મચાવી હતી.