ડીસા શહેરના નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતો વિશાલ ઠાકોર બે દિવસ પહેલા તેમના જ વિસ્તારમાં રહેતી મનીષા ઠાકોર નામની યુવતીને ભગાડી ગયો હતો. આ ઘટના બનતા યુવતીનો ભાઈ જગદીશ ઠાકોર યુવકના પરિવારજનોને ઠપકો આપવા ગયો હતો. તે દરમ્યાન યુવકના ભાઈ રાજેશ ઠાકોર, કિશન ઠાકોર અને કનું ઠાકોરે યુવતીના ભાઈ જગદીશ ઠાકોર પર હુમલો કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જગદીશ ઠાકોરને ડીસા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન જગદીશ ઠાકોરનું મોત નિપજતા આજે મૃતક જગદીશ ઠાકોરના પરિવારજનો ડીસા શહેર ઉત્તર પોલીસ મથક ખાતે ધસી આવ્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા આ મામલાને દબાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને આ ઘટનામાં પોલીસ દ્વારા તાત્કાલિક હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓની અટકાયત કરવાની માંગ કરી છે.