ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડકપ પહેલા પોતાની પ્લેઇંગ ઇલેવન તૈયાર કરવામાં લાગેલી છે. ઇંગ્લેન્ડ જેવી દમદાર ટીમ વિરૂદ્ધ સીરિઝ રમવાથી સારૂ થઇ શકે છે. 3 મેચની ટી-20 સીરિઝમાં એક ખેલાડી પર ખાસ નજર રહેવાની છે. આયરલેન્ડ વિરૂદ્ધ આક્રમક બેટિંગ કરી સૌનું ધ્યાન ખેચનારા બેટ્સમેનની ઇંગ્લેન્ડમાં પરીક્ષા થશે. વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અને તેની જગ્યાને લઇને ઉભા થયેલા સવાલ વચ્ચે આ એક બેટ્સમેન છે જે સૌથી વધુ ચર્ચામાં છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ મેચ રાત્રે 10.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં તાજેતરમાં ટેસ્ટ રમનારા ખેલાડીઓને તક આપવામાં નથી આવી. વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર અને જસપ્રિત બુમરાહ ટીમનો ભાગ નથી. એવામાં આ તક છે જે ખેલાડીઓ માટે જેમને ટી-20 વર્લ્ડકપમાં પોતાની દાવેદારી રજૂ કરવાની છે.
અમે વાત કરી રહ્યા છીએ આયરલેન્ડ વિરૂદ્ધ આક્રમક રમત રમનારા દીપક હુડ્ડાની. પહેલા ઓપનિંગ અને પછી ત્રીજા નંબર પર આવીને સદી ફટકારી આ ખેલાડીએ સૌને પ્રભાવિત કર્યા છે. ટી-20 વર્લ્ડકપમાં જગ્યા બનાવવા માટે જે રીતના ફોર્મની જરૂરત છે તે દીપકે દર્શાવ્યુ છે. આઇપીએલમાં દમદાર રમતની મદદથી ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવ્યા બાદ તેની રમત વધુ સુધરી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ ત્રણ મેચમાં જો તેના બેટથી રન નીકળે છે તો પછી આ વિરાટ કોહલી જેવા બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
હુડ્ડાનું ટોપ ફોર્મ, વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ
વર્તમાન ટી-20 ટૂર્નામેન્ટની વાત કરીએ તો બીસીસીઆઇની પ્રતિષ્ઠિત લીગ આઇપીએલમાં હુડ્ડાએ 15 મેચ રમીને 4 અડધી સદીની મદદથી 451 રન બનાવ્યા હતા. લખનઉં સુપર જાયન્ટ માટે પ્રથમ મેચમાં જ તેને મુશ્કેલીમાં સારી ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીની વાત કરીએ તો આઇપીએલની 16 મેચ રમ્યા બાદ તેના ખાતામાં માત્ર 341 રન જ હતા. હુડ્ડાએ આઇપીએલમાં 36 ફોર અને 18 સિક્સર ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીના બેટથી 32 ફોર લાગી હતી અને 8 સિક્સર જ લાગી હતી