પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂર્ણિમાના મેળાનો બીજો દિવસ ગોઝારો સાબિત થયો છે. અંબાજી દર્શન કરવા આવેલા યાત્રીઓ ભરેલી બસને હડાદ રોડ નજીક અકસ્માત નડતા બસ પલટી મારી ગઈ હતી. બસ અંબાજીથી હડાદ જતાં માર્ગ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અરવલ્લીની ગિરિમાળામાં બસ પલટી હોવાનું સામે આવ્યું છે. બસ નીચે પટકાતા બસના બે ભાગ થઈ ગયા હતા. આ અકસ્માતમાં બસમાં સવાર 40 મુસાફરો હતા. જેમાંથી 35થી વધુ મુસાફરોને ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંબાજી ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર આનંદ ના કણજરીથી 100થી વધુ લોકો સંઘ સાથે પગપાળા અંબાજી આવ્યા હતા અને ધજા ચઢાવીને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન આજે સવારે અમને બસ લેવા આવી હતી. અમે બસમાં બેસી જમવા જઈ રહ્યા હતા. ત્યારે બસની બ્રેક ફેલ થઈ જતાં ઘટના સર્જાઈ હતી. જેમાં બસમાં સવાર માઈભક્તો પૈકી અમુક વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી છે. તેમ આયોજક આશીષભાઈએ જણાવ્યું છે.