- બાપુનગર કાકડીયા હોસ્પિટલમાથી કોઠીયા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા
- આ મામલે MLA વલ્લભ કાકડીયાને કહ્યું કે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ નથી
- આગામી દિવસોમાં એમ્બ્યુલન્સ ચાલક અને સંચાલક સામે ફરિયાદ નોંધાવશે
- હાલ કોરોનાની મહામારીને કારણે દર્દીઓની હાલત કફોડી છે, એક તરફ હોસ્પિટલોમાં જગ્યા નથી તો બીજી તરફ ઉઘાડી લૂંટ પણ ચલાવવામાં આવી રહી છે. શહેરમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલથી કોરોનાના દર્દીને ત્રણ કિલોમીટર દૂર આવેલી કોઠીયા હોસ્પિટલમાં શિફ્ટ કરવાના પ્રાઈવેટ એમ્બ્યુલન્સ ચાલકે રૂ. 11 હજાર ચાર્જ લીધો હોવાની ઘટના બની છે. દર્દીના સગાએ આ મામલે બિલ માંગતા કોઈ બિલ નહિ મળે અને દાદાગીરી કરી હતી. દર્દીના સગા આ મામલે આગામી દિવસોમાં એમ્બ્યુલન્સ ચાલક અને સર્વિસ સામે ફરિયાદ નોંધાવશે. દર્દીનાં પૌત્ર જનક પાંચાણીએ આ અંગેનો વિડીયો બનાવીને વાઇરલ કર્યો હતો.
ડ્રાઈવરે બિલ કાકડીયા હોસ્પિટલમાંથી લઈ જવા કહ્યું હતું
આ અંગે વિગતે વાત કરીએ તો ન્યૂ નિકોલમાં રહેતાં જનક પાંચાણીના દાદી ચંપાબહેનને બે દિવસ પહેલા કાકડીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા બીજા દિવસે ટેસ્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક દર્દીને કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવા કાકડીયા હોસ્પિટલે કહી દીધું. ત્યાર બાદ કાકડીયા હોસ્પિટલના સ્ટાફે દર્દીને કોઠીયા હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે જયમાતાજી એમ્બ્યુલન્સ સર્વિસની એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ એમ્બ્યુલન્સમાં દર્દીને કોઠીયા હોસ્પિટલમાં લઇ જઇને શિફ્ટ કરવામાં આવ્યા હતાં. એમ્બ્યુલન્સનાં ડ્રાઇવરે દર્દીના સગા જનકભાઈ પાસે રૂ.11 હજાર માંગતા તેઓએ આપી દીધા હતાં અને બિલ માંગ્યું હતું. જો કે ડ્રાઇવરે બિલ કાકડીયા હોસ્પિટલમાંથી લઈ જવા કહ્યું હતું.
કાકડીયા હોસ્પિટલના સ્ટાફે કહ્યું અમારી એમ્બ્યુલન્સ નથી
વૃદ્ધાની સારવાર શરૂ થયા પછી તેઓ હોસ્પિટલમાં ગયા ત્યારે કાકડીયા હોસ્પિટલના સ્ટાફે અમારી એમ્બ્યુલન્સ નથી. જય માતાજી એમ્બ્યુલન્સના ડ્રાઈવર પાસે માંગો એવો જવાબ આપ્યો હતો. જેને ફોન કરતા ડ્રાઈવરે બિલ આપવા મામલે ગલ્લાતલ્લાં શરૂ કર્યાં હતાં. બિલનો આગ્રહ રાખતા જનકભાઈને આ અંગે ડ્રાઈવરએ સ્પષ્ટ કહી દીધું કે, તમને બિલ નહીં મળે.
બિલ માગ્યું તો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ગલ્લા તલ્લાં કરવા લાગ્યો અને તું તારી ઉપર ઉતરી આવ્યો
જનકભાઈના પત્ની પૂનમ પાંચાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઠીયા હોસ્પિટલ પહોંચ્યાં શિફ્ટ કરવા મારા પતિ પાસે ડ્રાઈવરે રૂ.11 હજાર માંગ્યા અમે તેઓએ આપી દીધાં હતા. બાદમાં બિલ માગ્યું તો ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો અને તું તારી ઉપર ઉતરી આવ્યો હતો. આ મામલે MLA વલ્લભ કાકડીયાને જાણ કરતા તેઓએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ નથી.
પેશન્ટના સગાએ ICU ઓન વ્હીલ તમામ સુવિધાઓ સાથે એમ્બ્યુલન્સ માંગી હતીઃ ડ્રાઈવર
જયમાતાજી એમ્બ્યુલન્સના સંચાલક વિરપાલસિંહ રાઠોડે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પેશન્ટના સગાએ ICU ઓન વ્હીલ તમામ સુવિધાઓ સાથેની એમ્બ્યુલન્સ માંગી હતી. જેમાં ડોકટર, નર્સ સહિતનો સ્ટાફ તમામ ચાર્જ ગણી તેઓને પૈસા કીધા હતા. તેઓને બિલ આપવાનું કહ્યું છે જેમાં ડૉક્ટર, નર્સિંગ ચાર્જ સહિતની વિગત સાથે બિલ આપવા તૈયાર છું પરંતુ તેવું બિલ તેમને જોઈતું નથી.