પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 ઓવરની વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા જીતનાર ભારતીય ટીમના ખેલાડીઓને નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આવકાર્યા હતા અને તેમની સાથે સંવાદ કર્યો હતો. સોશિયલ મિડિયામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાની યાદગાર ઘટનાઓ અંગે તેમણે ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિશ્વકપ સ્પર્ધા જીતીને સ્વદેશ પાછા ફરેલા ભારતીય ક્રિકેટ ટીમનું ક્રિકેટરસિકો અને અન્યો દ્વારા દિલ્હીના વિમાનમથકે આજે સવારે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમારા સંવાદદાતા જણાવે છે કે, સ્વદેશ પાછા ફરેલા ખેલાડીઓને ક્રિકેટના રસિકોએ ઢોલનગારા અને નૃત્યો દ્વારા સ્વાગત કર્યું હતું. સૂકાની રોહિત શર્માએ વિમાનમથકેથી હોટલ પહોંચ્યા બાદ ખાસ કેક કાપીને વિજયની ઉજવણી અન્ય ખેલાડીઓ સાથે કરી હતી. ભારતીય ખેલાડીઓ આજે મુંબઇ જશે જયાં તેઓ ખુલ્લી બસમાં બેસીને ક્રિકેટરસિકોનું અભિવાદન ઝીલશે.