થરાદ મેડિકલ સ્ટોર તેમજ એજન્સીમાં ગેરકાયદેસર પ્રતિબંધિત ડ્રગ્સ દવાઓ વેચાતી હોવાની બાતમી મળતાં મદદનીશ એસપીએ ગુરુવારે પોલીસ કાફલા સાથે રેડ કરી 8 કલાક સુધી મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી જાણવા જોગ ગુનો નોંધી એફએસએલ પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
થરાદ સ્ટેશન રોડ પર આવેલી લક્ષ્મી મેડિકલ તેમજ અંબિકા મેડિકલ એજન્સીમાં ગુરુવારે બપોરે રેડ કરવામાં આવી હતી. જેમાં મેડિકલ સ્ટોર તેમજ તેની ઉપરના માળે આવેલ મેડિકલ એજન્સીમાં સતત રાત્રીના 8 કલાક સુધી બંધ બારણે તપાસ હાથ ધરાતાં રોડ પર એકસાથે ચાર જેટલી સરકારી પોલીસ વાન ગાડીઓ ઉભી રહેતાં બહાર રસ્તા પર લોકોના ટોળા ઉમટ્યા હતા. જેમાં તપાસમાં નશાની દવાઓનો જથ્થો પરીક્ષણ અર્થે કબ્જે લેવાયો હતો.એફએસએલ અધિકારી ડી.એમ. પટેલ, ડ્રગ્સ ઇન્સપેક્ટર સી.જી.પટેલને સ્થળ પર બોલાવી ઝડપાયેલી દવાના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી પીઆઇ જે.બી.ચૌધરીએ વસંતભાઈ રાણાજી ત્રિવેદી (રહે.શિવનગર-થરાદ) સામે જાણવા જોગ ગુન્હો નોંધવામાં આવેલ છે.
આ અંગે પીઆઇ જેબી ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ઝડપાયેલી દવા ટોરેન્ટ ફાર્મા સ્ટ્રીપ તેમજ કેડીલા ફાર્મા સ્ટ્રીકલ તેમજ રેડપીશન ફાર્મા કંપનીની દવાઓમાં પ્રતિબંધિત ડ્રગ્સ હોઈ જેનું બિનકાયદેસર વેચાણ પર એન ડી પી એસ હેઠળ ગુન્હો બનતો હોય છે. જેથી કુલ દવાનો જથ્થો કિંમત રૂપિયા 67,547 ઝડપી જેમાંથી 17 ટેબ્લેટના અલગ અલગ પેકેટ એફએસએલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે જેનું ડ્રગ્સ પ્રતિબંધિત પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે.’