ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને સરકારી વિનયન કૉલેજ, વાવ જિલ્લો:બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે કવિવર શ્રી ઉમાશંકર જોશીની ૧૧૨મી જન્મ જયંતી નિમિત્તે અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાની પ્રેરણાથી ‘સર્વત્ર ઉમાશંકર’ કાર્યક્રમ યોજાયો. જેમાં ‘શ્રી ઉમાશંકર જોશી : વ્યક્તિત્વ અને સર્જકત્વ’ વિષય પર વ્યાખ્યાન, કાવ્યોનું ગાન-પઠન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત કવિના સુંદર ગેયકાવ્ય ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ના સમુહગાનથી કરવામાં આવી. ત્યારબાદ આચાર્યશ્રી ડૉ.હર્ષદ પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપી ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ડૉ.શેષકરણ ચરણ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું. પ્રથમ વક્તા પ્રા.મહેશ પરમાર ‘ સ્પર્શ ‘ દ્વારા કવિશ્રી ઉમાશંકર જોષીનું જીવન અને વ્યક્તિત્વને ઘડનારા પરિબળોની રજૂઆત કરવામાં આવી. મુખ્ય વાક્તા તરીકે શ્રી પી.કે. કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વાર્તાકાર ડૉ. ભારત સોલંકી દ્વારા ઉમાશંકર જોશીનું જીવનદર્શન અંતર્ગત વિશ્વશાંતિનો સંદેશ, સ્ત્રી સંવેદના, પ્રકૃતિ પ્રેમ, માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યેનું ઋણ, સર્વજન પ્રત્યે કરુણા ભાવ જેવા વિષયોની સહજ શૈલીમાં રજૂઆત કરવામાં આવી. આ સાથે પ્રસિદ્ધ કાવ્યોનું પઠન અને રસદર્શન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રા.શીવાભાઈ ખાંભલા, પ્રા. મોતીભાઈ દેસાઈ તેમજ કૉલેજ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ઉમાશંકર જોશીને ભાવભીની શબ્દાંજલિ આપી. અંતે ડૉ.અસગર રાજા દ્વારા આભારવિધિ અને સંયોજક ડૉ.મુકેશ ચૌધરી દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ.હર્ષદકુમાર પરમારના માર્ગદર્શનથી સફળ થયો હતો.