- ગુજરાતમાં વસતા ચારણ, રબારી અને ભરવાડ જાતિના લોકો ગેરકાયદે અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવતા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. જેની સુનાવણી દરમિયાન કોર્ટે રખડતા ઢોરની સમસ્યા અંગે સરકારને સવાલ કર્યા હતા. ચીફ જસ્ટિસની ખંડપીઠે અગાઉની સુનાવણી દરમ્યાન એવી ટકોર કરી હતી કે તેઓ મોર્નિંગ વોક પર નીકળી શકતા નથી.કેટલીક જ્ઞાતિઓને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ આપવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારે સરકારને અનેક સવાલો કર્યા હતા. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, હજુ પણ આખા શહેરના રોડ પર ઢોર જોવા મળે છે. કોર્ટે આદેશ કર્યો છે છતાં તેનું કોઇ નિવારણ કેમ આવતું નથી ?
રખડતા ઢોરની જાહેરહિતની અરજીની સુનાવણીને દિવસે એએમસીના જવાબદાર અધિકારીને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. વહેલી સવારથી રોડ પર ઢોર દેખાતા હોય છે. એટલું જ નહી હાઇકોર્ટની બહારના રસ્તા પર તેમની કાર સાથે પણ ઢોર અથડાયા હતા. રખડતા ઢોર, તૂટેલા રોડ અને ટ્રાફિકની સમસ્યાને લઇને હાઇકોર્ટે કોર્પોરેશન અને સરકારને કેટલાક નિર્દેશો કર્યા છે પરતું તેનું પાલન ન કરાતા નારાજગી દર્શાવી હતી. ખંડપીઠે સવાલ કર્યો કે, અમારા આદેશ કર્યો છે છતાં તેનું પાલન કેમ કરાતું નથી? પરિસ્થિતિમાં કોઇ ફરક પડયો નથી. રોડ પર હજુ ઢોરનો ત્રાસ યથાવત્ છે.