અમદાવાદઃ આમ તો ગુજરાતને દેશમાં સૌથી સુરક્ષિત રાજ્યો પૈકી એક ગણાય છે. પરંતુ વાત જ્યારે સિનિયર સિટિઝનની આવે ત્યારે ગુજરાતમાં આ સ્થિતિ તદ્દન વિપરિત બની જાય છે. 2019માં રાજ્યમાં પ્રતિ 10 લાખ વૃદ્ધોએ 85.4 ગુના નોંધાયા હતા. જે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ વૃદ્ધો વિરુદ્ધના ગુના મામલે સૌથી વધુ છે. જો આંકડાકીય રીતે જોઈએ તો તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા NCRBના રિપોર્ટ ‘Crime in India 2019’ મુજબ આ કેટેગરીમાં રાષ્ટ્રીય ગુનાખોરી આંકડો 25.9 છે જેની સામે ગુજરાતનો આંકડો અનેકગણો વધારે છે.
રાજ્યમાં વૃદ્ધો વિરુદ્ધના ગુનામાં 66 હત્યા, 231 મારામારીના કેસ અને 531 ચોરીના કેસ સામેલ છે. 2018ના આંકડા સાથે તુલના કરવામાં આવે તો રાજ્યમાં વૃદ્ધો વિરુદ્ધ મારામારની કિસ્સામાં 98 ટકાનો વધારો થયો છે. જ્યારે વૃદ્ધો સાથે ચોરીની ઘટનામાં 89 ટકાનો વધારો થયો છે.
જો ચોક્કસ આંકડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં એક વર્ષમાં 4088 કેસ વૃદ્ધો વિરુદ્ધ ગુના બાબતે નોંધાયા છે. જે મહારાષ્ટ્રના 6,163 અને મધ્યપ્રદેશના 4,184 કેસ બાદ ત્રીજા નંબરે છે. જો વર્ષ પ્રતિવર્ષના આ કેટેગરીના ગુનાઓ અંગે એનાલિસિસ કરવામાં આવે તો ગુજરાતમાં સિનિયર સિટિઝન વિરુદ્ધ ગુનામાં 92 ટકાનો વધારો નોંધાયો છે. આ કેસ પ્રતિવર્ષ લગભગ બે ગણા થઈ રહ્યા છે. જેમ કે 2016માં 496 કેસ હતા જેની સામે 2017માં 1099 કેસ નોંધાયા હતા.
આ બાબતે વાત કરતા ડિજીપ આશિષ ભાટિયાએ કહ્યું કે ‘તેઓ આ આંકડાને વેરિફાય કરશે અને આ કેટેગરીના ક્રાયેટેરિયાને પણ ચેક કરશે. જોકે આ સાથે તેમણે કહ્યું કે આ આંકડાને આપણે એ રીતે પણ જોવા પડે કે હવે રાજ્યમાં વૃદ્ધો પોતાની સાથે થતા અન્યાયને વધુ આગળ આવીને જાહેર કરી રહ્યા છે. રાજ્યની પોલીસ ખૂબ જ એક્ટિવ રીતે સિનિયર સિટિઝનને સાંભળવા અને મદદ કરવા માટે કામ કરી રહી છે. અમદાવાદ શહેરમાં અમે પ્રોજેક્ટ નમન શરું કર્યો છે. જ્યાં જે તે પોલીસ સ્ટેશન પોતાના વિસ્તારમાં રહેતા એકલા સિનિયર સિટિઝનની નોંધ રાખે છે અને પોલીસની મહિલા ટીમ નિયમિત રીતે તેમની મુલાકાત લેતી રહે છે. હવે અમે ઇચ્છીએ છીએ કે આ પ્રોજેક્ટને રાજ્યસ્તરે લાગુ કરવામાં આવે.’
આ સાથે જ તેમણે રાજ્યના સિનિયર સિટિઝનને સિટિઝન પોર્ટલ અને સિટિઝન ફર્સ્ટ એપ પર પોતાની નોંધણી કરાવવા માટે આગ્રહ કર્યો છે.