
- વિરાટ કોહલી માત્ર 14 રન જ કરી શક્યો, તે 17 કરોડ રૂપિયા સાથે IPLનો સૌથી મોંઘો પ્લેયર છે
- RCBના દેવદત્ત પદિકકલે IPLની ડેબ્યુ મેચમાં સૌથી વધુ 56 રન બનાવ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને IPL 2020ની ત્રીજી મેચમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 10 રને હરાવ્યું છે. 164 રનનો પીછો કરતા હૈદરાબાદ 153 રનમાં ઓલઆઉટ થયું. તેમણે અંતિમ 8 વિકેટ 32 રનમાં ગુમાવી હતી. બેંગલોર માટે યુઝવેન્દ્ર ચહલે 3, જયારે શિવમ દુબે અને નવદીપ સૈનીએ 2-2 વિકેટ લીધી.
બેરસ્ટોએ ફિફટી મારી, ચહલે સતત બે બોલમાં બે વિકેટ લઈને મેચનું રૂપ બદલ્યું
ચહલે મેચની 16મી અને પોતાની અંતિમ ઓવરના બીજા અને ત્રીજા બોલે વિકેટ લીધી હતી. તેણે બીજા બોલે સેટ બેટ્સમેન બેરસ્ટોને બોલ્ડ કર્યો હતો. જોની બેરસ્ટોએ પોતાના IPL કરિયરની ત્રીજી ફિફટી મારી હતી. તેણે 43 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 61 રન કર્યા હતા. તે પછી ચહલે વિજય શંકરને પહેલા બોલે ગુગલી નાખીને બોલ્ડ કરતા પેવેલિયન ભેગો કર્યો.
હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લીધી
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે IPL 2020ની ત્રીજી મેચમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદે પોતાની ટીમમાં કેન વિલિયમ્સનને સ્થાન આપ્યું નથી. તેમણે ચાર વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, મિચેલ માર્શ અને રાશિદ ખાનની પસંદગી કરી છે. જ્યારે બેંગલોરે ક્રિસ મોરિસ અને મોઇન અલીને રમાડ્યા નથી. તેમણે ચાર વિદેશી ખેલાડીઓમાં આરોન ફિન્ચ, એબી ડિવિલિયર્સ, જોશ ફિલિપ અને ડેલ સ્ટેનને પસંદ કર્યા છે.
બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ ((વિકેટકીપર), જોશ ફિલિપ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને નવદીપ સૈની
હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, મિચેલ માર્શ, વિજય શંકર, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર સંદીપ શર્મા અને ટી નટરાજન