- ઓસ્ટ્રેલિયામાં થનાર 2020નો T-20 વર્લ્ડ કપ કોરોનાવાયરસને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો
- ભારતમાં 2021માં થનાર T-20 વર્લ્ડ કપની ફાઇનલ 14 નવેમ્બરે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં થનાર 2022ના વર્લ્ડ કપની ફાઇનલ 13 નવેમ્બરે રમાશે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શુક્રવારે ઇન્ટરનેશનલ બિઝનેસ કોર્પોરેશન સાથેની મીટિંગ પછી જાહેર કર્યું હતું કે, 2021નો T-20 વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, જ્યારે ઓસ્ટ્રેલિયા 2022માં T-20 વર્લ્ડ કપની યજમાની કરશે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનાર વર્લ્ડ કપને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો.
વુમન્સ વનડે વર્લ્ડ કપ પણ એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. તે ફેબ્રુઆરી-માર્ચ 2021 દરમિયાન ન્યૂઝીલેન્ડમાં થવાનો હતો. હવે તે ફેબ્રુઆરી-માર્ચ 2022માં થશે. ભારતમાં થનાર મેન્સ 2021 T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે, જેની ફાઇનલ 14 નવેમ્બરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં થનાર 2022 T-20 વર્લ્ડ કપની ફાઇનલ 13 નવેમ્બરે રમાશે.
ICC મેન્સ વનડે વર્લ્ડ કપ 2023ની યજમાની પણ ભારત કરવાનું છે. તે પણ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે અને ફાઇનલ માટે 26 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.