- શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો હવે સોળે કળાએ ખીલી રહ્યો છે. શ્રધ્ધાળુ માઇભક્તોનો અવિરત પ્રવાહ મા અંબાના દર્શન માટે દૂર દૂર થી ઉમટી રહ્યો છે. આ મેળાના સુચારુ વ્યવસ્થાપન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. મેળામાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા 6500 જેટલો સ્ટાફ મૂકીને સઘન સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાત દિવસ ખડેપગે સેવા આપતાં આ પોલીસ જવાનો માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 5 જગ્યાએ ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે એમાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી. એન. માળી દ્વારા દરરોજ ભોજનમાં મિસ્ટાન આપવામાં આવે છે. આ ઉપરાંત મેળામાં આવતા સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે પાર્કિંગથી મંદિર સુધી મૂકી જવા માટે નિ:શુલ્ક રિક્ષા સેવા પણ તેમના સૌજન્યથી શરૂ કરવામાં આવી છે.

શ્રી પી. એન. માળી દ્વારા આપવામાં આવતી સેવાને બિરદાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ. બી. વ્યાસે જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમનો મેળો તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે ત્યારે કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા પોલીસ સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી. એન. માળી દ્વારા દરરોજ પોલીસને સાંજના ભોજનમાં સ્વીટ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમના દ્વારા સિનિયર સિટીઝનો અને દિવ્યાંગજનો માટે 150 રીક્ષા ચલાવવામાં આવે છે.

- આ પ્રસંગે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી.એન.માળીએ જણાવ્યું કે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી મેળાની સુરક્ષા માટે પોલીસ આવે છે અને આ પોલીસ વિભાગના જવાનો રાત દિવસ ખડેપગે માઇભક્તોની સેવામાં ફરજ બજાવે છે એમને ભોજનમાં સ્વીટ આપવાનો મને વિચાર આવતા તંત્રની સાથે રહી ભોજનની સાથે એમને રોજ અલગ અલગ પ્રકારના સ્વીટ અમારી ટિમ દ્વારા આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી અંબાજી ભાદરવી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે પાર્કિંગથી મંદિર સુધી નિ:શુલ્ક રીક્ષા સેવા શરૂ કરવામાં આવી છે. જેના માટે રીક્ષા ચાલકોને દૈનિક રૂ.1000 ચૂકવવામાં આવે છે. જેનો યાત્રિકો ખુબ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
પિતા- પુત્રની બેલડી માઈભક્તોની સેવામાં મશગુલ
અંબાજી ભાદરવી પૂનમના મેળાના પ્રારંભના આગલા દિવસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રીશ્રી પી. એન. માળીના સૌજન્યથી પાર્કિંગ થી મંદિર સુધી સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક રિક્ષા સેવાનો પ્રારંભ કરાવ્યો ત્યારથી તેમનો પુત્ર શ્રી અક્ષય પી. માળી યાત્રિકોની સેવામાં ખડે પગે સેવા આપી રહ્યો છે. અંબાજી મેળામાં 150 જેટલાં યુનિફોર્મ ધારી રીક્ષા ચાલકો આ સેવા આપી રહ્યાં છે. યુનિફોર્મના કારણે રીક્ષામાં બેસનાર સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો પોતાપણાની અનુભૂતિ કરી રહ્યા છે