થરાદના ચારડાની પરિણીતા ચાર દિવસ અગાઉ વાવ બસ સ્ટેન્ડથી તેના દોઢ વર્ષના પુત્રને લઇ થરાદના ભોરડું ગામના પ્રેમી સાથે નાસી ગઇ હતી. જે બન્ને જેતડા ગામે સબંધીના ઘરે રોકાયા હતા. ત્યારે સવારે પુત્ર વારંવાર રડતો હોઇ પકડાઇ જવાના ડરથી માંએ મોઢું દબાવી પ્રેમી માસૂમ બાળકનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી દિધી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો બહાર આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર સાથે માતા ઉપર ફિટકાર વરસી રહ્યો છે. આ અંગે પિતાએ પોતાની પત્ની અને તેના પ્રેમી સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકમાં જ બન્ને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દિધા હતા.
વાવ તાલુકા બુકણા ગામના અને હાલ થરાદ તાલુકાના ચારડા ગામે ભાગીયા તરીકે કામ કરતા ભરતભાઇ નાગજીભાઇ ઠાકોરના લગ્ન થરાદ તાલુકાના પીરગઢ ગામે રહેતાં ભુરાભાઇ ગણેશભાઇ ઠાકોરની દિકરી મંજુલાબેન સાથે ચાર વર્ષ અગાઉ થયા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન એક પુત્ર રવિ ઉર્ફે સંદિપ ઉં.વ.દોઢ વર્ષ જન્મ્યો હતો. દરમિયાન શનિવારના દિવસે તેમના વતન બુકણા ગામે માતાજીનું નૈવેધ કરવાનું હોઇ પતિ, પત્ની અને પુત્ર ચારડાથી પોતાના વતન ગયા હતા. જ્યાંથી રવિવારે પરત આવતી વખતે વાવ બસ સ્ટેન્ડ ખાતે લઘુશંકા કરવાનું બહાનું કાઢી મંજુલાબેન તેમના પુત્રને લઇ થરાદ તાલુકાના ભોરડુંના પ્રેમી ઉદાભાઇ અમીચંદભાઇ માજીરાણાની સાથે તેના બાઇક ઉપર નાસી ગયા હતા. જે બન્ને જેતડા ગામે સબંધી ભુદરાભાઇ રાજપુતના માતાજીના મંદિરવાળા ઘરે રોકાયા હતા. ત્યારે સવારે 11 વાગ્યાના સુમારે પુત્ર રવિ ઉર્ફે સંદિપ રડરડ કરતો હોઇ ત્યાંથી આવ-જા કરતાં માણસો તેનો અવાજ સાંભળી માતા અને પ્રેમીને જોઇ ન જાય અને બન્ને પકડાઇ જવાના ડરથી તેણીના પ્રેમી ઉદાએ પુત્ર રવિ(સંદિપ)નું ગળું દબાવી નિર્મમ હત્યા કરી દીધી હતી. આ અંગે ભરતભાઇએ પોતાની પત્ની મંજુલા અને તેના પ્રેમી ઉદા સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકમાં જ બન્નેને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. આ અંગે થરાદ પીઆઇ જે.બી.ચૌધરીએ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.