અંબાજી ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષી દાંતા તાલુકાના પાંછા ખાતે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓની જાણકારીનું માટેનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. જેને આજે આદિજાતિ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ યોજનાકીય પ્રદર્શન અને હસ્ત કલાના પ્રદર્શનને નિહાળી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે આદિજાતિના ભાઈ- બહેનો, વિદ્યાર્થીઓ અને યુવાનોને સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વનબંધુ યોજના અમલમાં મૂકીને આદિવાસીઓના સર્વાગી વિકાસની શરૂઆત કરાવી હતી. આદિજાતિઓના સર્વાગી વિકાસને વરેલી આ સરકારે આદિવાસીઓના કલ્યાણ માટે 253 જેટલી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓના પ્રચાર- પ્રસાર માટે પાંછા ખાતે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શન નિહાળી કોઈપણ યોજના પર મોબાઈલથી સ્કેન કરવાથી યોજનાની તમામ જાણકારી મળી રહેશે. તેમણે કહ્યું કે લોકોને સીધો જ યોજનાઓનો લાભ મળી રહે એ માટે દેશભરમાં 50 કરોડ જેટલાં જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. જેના મારફત લાભાર્થીના ખાતામાં સરકારી સહાયની રકમ સીધી DBT થી જમા કરાવવામાં આવે છે.

મંત્રીશ્રીએ શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું કે તમામ સમસ્યાઓનું સાચું નિદાન શિક્ષણ છે ત્યારે આપણા બાળકોને સારુ શિક્ષણ અપાવી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ. યાત્રાધામ અંબાજી ખાતે નજીકમાં જ કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યારે બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેમણે અનુરોધ કર્યો હતો. ઉંમરગામ થી અંબાજી વિસ્તારમાં વસતા આદિજાતિના બાળકોને JEE અને NEET નું વિનામૂલ્યે કોચિંગ મળી રહે એ માટે 12 જેટલી સ્કૂલોમાં આ વર્ષ થી કોચિંગ આપવાનું શરૂ કરાશે. આદિજાતિ સમાજ શિક્ષિત અને દીક્ષિત બને એ માટે રાજ્યમાં કુલ- 16000 પ્રાથમિક શાળાઓના ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં 2000 થી વધુ ઓરડાઓ મંજુર કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ મેળાની વ્યવસ્થાઓની વાત કરતા જણાવ્યું કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માઇભક્તો માટે ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓ ખુબ ઝડપ થી સ્વસ્થ અને સાજા થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી છે અને તેમની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર પણ કરવામાં આવી રહી છે.
પ્રદર્શનમાં આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની કુંવરબાઈનું મામેરૂ યોજના, વનબંધુ કલ્યાણ યોજના, કૃષિ વૈવિધ્યકરણ યોજના, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, સંકલિત ડેરી વિકાસ યોજના, દૂધ સંજીવની યોજના, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ સહિતની જાણકારી આપવામાં આવી છે.
આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓને આવાસ, કૃષિ અને પશુપાલન સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી શ્રેયાંશ પ્રજાપતિ, શ્રી એલ. કે. બારડ, શ્રી પ્રવિણસિંહ રાણા, શ્રી લાધુભાઈ પારઘી, શ્રી પી. એચ. પટેલ, શ્રીમતી રાધાબેન તેરમા, શ્રીમતી શાંતાબેન તરાલ, શ્રી ગમાભાઈ, મદદનીશ ખેતી નિયામકશ્રી ધવલભાઈ જોષી, સરપંચ શ્રી એન. જે. પટેલ સહિત પદાધિકારીઓ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા