૮૦૦ ખેડૂતોને વીજ કનેકશન નહીં આપવામાં આવે તો કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ આંદોલન કરશે

ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. પરંતુ ખરેખર મદદ કરવાની વાત આવે ત્યારે હાથ ઉંચા કરે છે તેવો આક્ષેપો સાથે કોંગ્રેસે આંદોલનની ચેતવણી આપી હતી. કોંગ્રેસે કહ્યું પોરબંદર તાલુકાના ૮૦૦ ખેડૂતો બે વર્ષથી વીજ કનેકશનથી વંચીત છે. ડાર્ક ઝોનમાં ફુવારાની પદ્ધતીથી ખેતી કરવા માટે સ્પ્રીંકલરની ખરીદી કરે તેને જ વીજ કનેકશન અપાશે તેવા નિયમ બાદ મંજુર થયેલા કનેકશનો હજુ સુધી શરૂ નહીં થતા ખેડૂતોમાં આક્રોશ.


રાજ્ય સરકારની વિચિત્ર નીતિના લીધે જુદા જુદા પ્રકારે લોકોને હેરાનગતી થાય છે. તેમાં પોરબંદર તાલુકાના ડાર્ક ઝોન વિસ્તારમાં આવતા ધરતીપુત્રોને બે વર્ષ પહેલાં જ વીજ કનેકશન ફાળવાયા હતા. તેઓને ફરજિયાતપણે ફુવારા પદ્ધતિથી ખેતી માટે સ્પ્રીંકલરની ખરીદી કરે તો જ કનેકશન મળશે તેવું જાહેર થતા અંદાજે ૮૦૦ જેટલા ખેડૂતોના કનેકશન મંજુર થઇ ગયા હતા તેવું કોંગ્રેસે જણાવ્યું હતું. તેમજ વધુમાં કોંગ્રેસે એવો ઉલ્લેખ કર્યો હતો કે બે વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી વીજ પ્રવાહ અપાયો નથી. તેનુ કારણ એવું જાણવા મળ્યું હતું કે ફુવારા કંપનીને સરકારે સબસીડી આપવાની બંધ કરી હોવાથી `પાડાના વાકે પખાલીને ડામ’ જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. પ્રદેશો કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પોરબંદર તાલુકાના બગવદર, કોસ્ટલ અને માધવપુર સહિતના વિસ્તારો ડાર્ક ઝોનમાં આવતા હોવાથી આ વિસ્તારોમાં કૃષિ લક્ષી વીજ કનેકશન માટે સરકારે તેવો નિયમ ઘડ્યો હતો કે ફુવારા પદ્ધતિથી ખેતી કરે તેના સ્પ્રીંકલર કે જે સબસીડી સાથે અંદાજે ર૦ હજારમાં અને સબસીડી વગર ૪પ હજારમાં મળે છે તે ફરજિયાત લેવા પડશે. આ ફુવારા બનાવતી કંપનીઓને કમાવવા માટે રાજ્ય સરકાર તેને સબસીડી આપે છે. જ્યારે ખેડૂતોનું વીજ કનેકશન મંજુર થાય ત્યારે તે ખેડૂતો ફુવારાની ખરીદી કરે તો તો જ તેને વીજ કનેકશન આપવામાં આવે છે. હાલની પરિસ્થિતીએ વીજ કનેકશન મંજુર થયેલા ખેડૂતો ફુવારા લેવા જાય ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને બે વર્ષથી સબસીડી આપી નથી એમ કહીને ખેડૂતોને ફુવારા આપવાનો ઇન્કાર કરે છે. કોંગ્રેસને સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર એક બાજુ ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતોને સહાય કરીએ છીએ તેવા ભાષણો આપે છે ત્યારે હકીકતમાં મદદ કરવાની વાત આવે ત્યારે ભાજપ સરકાર હાથ ઉંચા કરે છે. પ્રજા ઉપર કમરતોડ કરવેરાનો ઉપયોગ માત્ર ભાજપના કાર્યકરોના લાભાર્થે થઇ રહ્યો છે તેવા પણ આક્ષેપો કર્યા હતા. સાથે જ એવું કહ્યું હતું કે તાત્કાલીક ધોરણે વીજ કનેકશન આપવામાં નહીં આવે તો તમામ ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન ભાજપ સરકાર સામે કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *