રાજ્યના ખેડૂતો માટે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર, 33 ટકાથી વધુ પાક નુકસાનીમાં હેક્ટરદીઠ રૂ. 10 હજારની સહાય

  • ગુજરાતમાં 20 જિલ્લાના 123 તાલુકાના 27 લાખ ખેડૂતોને મળશે લાભ
  • ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તોપણ રૂ. 5 હજારની સહાય ચૂકવાશે

ગુજરાતના વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ સહાય રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટરને મળશે. આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે.

મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને નુકસાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ઓગસ્ટ-2020માં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાને પરિણામે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થઈ હતી. શરૂઆતના તબક્કામાં ખેતીને અનુકૂળ માફકસરનો વરસાદ થયો હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખૂબ સારા ઉત્પાદનના સંજોગો હતા, પરંતુ ઓગસ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને નુકસાનના અહેવાલ છે, જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે.

37 લાખ હેક્ટર વિસ્તાર સહાય

રાજ્ય સરકારે અવારનવાર જાહેરાત કરેલી છે કે રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયું હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં 19 સપ્ટેમ્બરની સ્થિતિએ થયેલા નુકસાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલા સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયનાં ધોરણો મુજબ અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.

2 હેક્ટર માટે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટર સહાય મળશે .

જેમાં 33 % અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ. 10 હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. વધુમાં ખેડૂત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તોપણ તેમને ઓછામાં ઓછા રૂ. 5 હજાર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને ખાતાદીઠ સહાયનો લાભ મળશે. એટલું જ નહીં, રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકસાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર એ અંગે પણ વિચારણા કરશે.

1 ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મુકાશે

આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે 1 ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડૂતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજૂરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડૂતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે,એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યના આ 20 જિલ્લાના 123 તાલુકાને સહાય મળશે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version