દેશ માં ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાહેર મિલકતને નુકસાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી.
૭ હજાર પોલીસ ભરતી ને લઈને હાઇકોર્ટમાં ગત 10 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે વર્તમાનમાં રાજ્ય સરકારને ઉપરોક્ત કાર્યને લઈને જવાબ રજૂ કરવા 28 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં આજની સુનવણીમાં રાજ્ય સરકાર દ્વારા ફાઈલ કરાયેલ એફિડેવિટમાં રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો કે, રાજ્યના પોલીસ વિભાગમાં 21.3% જગ્યા ખાલી છે, જેનો આંકડો 27 હજાર જેટલો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 04 હજાર જગ્યા ખાલી છે. 07 હજાર પોલીસ કર્મચારીની વર્ષ 2023-24માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ વિધાનસભામાં ગૃહ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાલુ વર્ષે જ ગુજરાત પોલીસ દળમાં અંદાજે 8 હજાર કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સંઘવીએ કરેલી જાહેરાત મુજબ 7384 જગ્યા પર ભરતી પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે, જેમાં બિન હથિયારી, પી.એસ.આઈ.ની 325 જગ્યા, હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 6,324 જગ્યાની ભરતી કરવામાં આવશે.