લગ્નની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે. ઠેર ઠેર શરણાઇના શૂર સાથે ઢોલ ધબુકી રહયા છે અને લોકો બજારમાં ખરીદી કરી રહયા છે. આ વચ્ચે લગ્નમાં મંડપ સહિતની સજાવટ માટે ફુલોની આવશ્કતા રહેતી હોય છે. આથી તેની ખરીદી પણ મંડપ ડેકોરેશન વાળા કરતા હોય છે. જેને લઇ ફુલોની માંગ જોવા મળી રહી છે. મહેસાણા શહેરના બજારમાં હાલ ફુલોની આવક ઓછી આવતી હોવાથી તેમજ તેની માંગમાં વધારાને લઇ જબરજસ્ત ભાવ વધારો જોવા મળી રહયો છે. એટલું જ નહીં ચૂંટણીઓના ઢોલ પણ વાગી રહ્યા છે આ વચ્ચે ફૂલોની માંગમાં બમણો વધારો નોંધાયો છે.
બજારમાં બેન્ડવાજા, વાસણ, કાપડ, તેમજ રેડીમેન્ડ કાપડની ખરીદી સાથે અન્ય જરૂરીયાત વસ્તુઓની ખરીદી કરતા લોકો નજરે પડી રહયા છે. ત્યારે લગ્નના આયોજનમાં મંડપ ડેકોરેશન સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને લગ્નમાં લગ્નની ચોરી તેમજ મંડપ ગેટ સહિત સુશોભીત કરવા માટે ફુલોની માંગ જોવા મળતાં ફૂલોની બોલબાલા વધી છે.
ચૂંટણીના માહોલ છે પણ ફૂલ તો જોઈશે
વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ફૂલોની માંગ પણ વધી છે અને નેતાઓને ફૂલો વિના પણ ચાલે નહીં એટલે લોકો પણ પૂછી રહ્યા છે કે આ નેતાઓને મોંઘવારી નડશે કે નહીં…? હાલ મોંઘા ફૂલનો પણ ઉપયોગ ભરપૂર થઇ રહ્યો છે કારણ કે, શુભેચ્છાઓ આપવા માટે ગુલદસ્તો કે માળા વધુ વપરાય છે, કાર્યાલયોના ઉદ્ધાટન તેમજ કાર્યકરો તેમના મનગમતા ઉમેદવારના સ્વાગત માટે પણ ફૂલનો ઉપયોગ કરતા હોય છે.
હાલમાં લગ્નની સિઝનને લઇને શહેરના બજારમાં ફુલોની ખરીદીમાં વધારો નોંધાયો છે. પહેલા ફુલોના ભાવમાં હજારીગલ (ગલગોટા) એક કિલોનો ભાવ 30 રૂપિયા હતો તે વધીને 60 રૂપિયા થયો છે. તેમજ ગુલાબનો ભાવ એક કિલોનો 80 રૂપિયા હતો તે વધીને 150 રૂપિયા થયો છે. આ ઉપરાંત ફુલોના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહયો છે. તેની સામે લગ્નની સિઝનન હોય તેની માંગ જોવા મળી રહી છે. આમ ફુલબજારમાં ફુલોની માંગ વધતાં વિવિધ ફૂલોના ભાવોમાં તેજીનો માહોલ સાથે ભાવવધારો જોવા મળી રહ્યો છે.
લગ્નસરા માં નવા નવા ટ્રેન્ડ મુજબ ફૂલોથી સજાવટ કરવામાં આવે છે.જેમાં ગલગોટા અને ગુલાબ ની માંગ વધારે રહે છે ત્યાર પછી અવનવા રંગીન ફૂલો પણ સજાવટ માં ઉપયોગ માં લેવાય છે. જો કે હવે તો ફૂલો નો હાર પણ મોંઘો થઈ ગયો છે. જેની જરૂર લગ્નમાં અવશ્ય રહેતી જ હોય છે ત્યારે વધતી જતી મોંઘવારી ના કારણે ડગલે ને પગલે દરેક ચીજવસ્તુ ના ભાવ વધવા લાગ્યા છે તેથી લગ્નો કરવા પણ મોંઘાં થયા છે.ક્યાંક સાદાઈ થી લગ્ન થતાં હોય છે તો ક્યાંક અઢલક ખર્ચો કરીને લગ્ન કરવામાં આવે છે.જેનું બજેટ ખૂબ ઊંચું જાય છે.
દુલ્હા દુલ્હન ને ચોરી માં લાવવા માટે ફૂલો થી સજાવેલી બ્રાઇડ એન્ટ્રી કરવામાં આવે છે જ્યાં જોઈએ ત્યાં ફૂલો નું લગ્ન માં મહત્વ વધી જાય છે જાન લઈને આવતી ગાડીઓ ને પણ ફૂલોથી સજાવટ કરીને સુંદર બનાવી દેવાય છે.લગ્ન ની ચોરી માં ચારેય તરફ ફૂલો જ ફૂલો જોવા મળે છે આમ ફૂલો વગર લગ્ન પ્રસંગ પણ ફિકા પડી જાય છે.તેથી હાલ માં ફૂલો ઓન ડિમાન્ડ છે આ વર્ષે કોરોના મહામારી બાદ લોકો ઉત્સાહ પૂર્વક લગ્નો માણી રહ્યા છે ત્યારે મોંઘવારી ઓછી થવાનું નામ નથી લઈ રહી.