હવામાન વિભાગ દ્વારા તારીખ 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ બનાસકાંઠા ના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા સાથે કેટલાક વિસ્તારોમાં બરફના કરાનો વરસાદ પડતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવા પામ્યું છે. જોકે હવામાન વિભાગની આગાહીના કારણે જિલ્લા કલેક્ટરે તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓએ ખેડૂતોને વરસાદ થવાની આગાહી હોવાથી પોતાનો માલ પલડે નહીં તે દિશામાં પગલાં લેવા જણાવ્યું હતું.જોકે ખેડૂતોને કાપણીની સિઝન હોઈ મોટાભાગના ખેડૂતોનો માલ પલળી જતા ભારે નુકસાન થયું છે. ત્યારે હજુ તમાકુ, જીરું, વરિયાળી તેમજ ઘઉંનો પાક લેવાની સીઝન ચાલી રહી છે.અનેક ખેડૂતોને કાપણી કરવાની બાકી છે, ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 માર્ચના રોજ વરસાદની આગાહીથી ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી રહી છે.