સરહદી બનાસકાંઠા ના થરાદ ખાતે આવેલ ચાર રસ્તા પાસે ડફેર ગેંગ ઝડપાઈ છે જાણવા મળતી માહિતી અનુસાર થરાદ શહેરનો પોલીસ સ્ટાફ રાત્રે નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતા પાટણ જિલ્લાના ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ હાઇવે ઉપર ટ્રકમાં આવી રહ્યા છે. જેથી પોલીસે થરાદ-ડીસા ચાર રસ્તા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી પાંચ શખસોને લૂંટ કરવાના સાધનો, હથિયારો સહિત રૂ.8.05 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા..

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ પોલીસને મીઠા બાજુથી આવી રહેલ ટ્રક નંબર જીજે-05-એટી-2513માં ડફેર ગેંગના 5 શખસો હથિયારો અને લૂંટ કરવાના સાધનો સાથે થરાદ બાજુ હાઇવે પર એકાંત જગ્યાએ એકલ દોકલ માણસને કે ગાડીને આંતરી લૂંટ કરવા માટે આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રાત્રે પોલીસ સ્ટાફ સહિત પીએસઆઇ કે.એચ.સોલંકીએ થરાદ-ડીસા ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન ટ્રક આવતાં તેમાં ડ્રાઇવર સહિત પાંચ શખસો બેઠેલા હોઇ તેમને નીચે ઉતારી ટ્રકમાં ચેક કરતાં તેમની પાસેથી સુકા મરચાંની ભુકી ઉપરાંત અલગ-અલગ સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ મળી આવી હતી. જે તમામ સાધનનો ઉપયોગ લૂંટ, ધાડ, ચોરીને અંજામ આપવા તેમજ સુકા મરચાંની ભુકીનો કોઇ વ્યક્તિ પ્રતિકાર કરે તો તેની આંખોમાં નાખી દેવા માટે ઉપયોગ કરવાના હતા.પોલીસે તમામ સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ સાથે પાંચેય પાસેથી ટ્રક સહિત કુલ રૂા.8,05,400નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ આ શખ્સો પર અગાઉ પણ ચોરી લૂંટના ગુનાઓ હોવાનું અને ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવ્યું હતું. આથી તેમની થરાદ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.