બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દશ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં કાર્યરત છે. જેમાં ધાનેરા તાલુકાના વાલેર ગામમાં પણ આ દવાખાનું કાર્યરત છે. વાલેર ગામના તેજાભાઈ પ્રજાપતિએ ફરતું પશુદવાખાનાનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, એમની ભેંસને વિયાવવામાં તકલીફ ઉભી થઇ છે. તેજાભાઈના કોલ બાદ દશ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. નરસીભાઈ પટેલ અને પાયલોટ કમ ડ્રેસર મનોજ મકવાણા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
ભેંસની ચકાસણી કરતા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી હતી. તેજાભાઈ પ્રજાપતિની ભેંસને ગર્ભાશયની આંટી હોવાનું માલુમ પડતાં તબીબો દ્વારા તાત્કાલિક ભેંસને સુવડાવીને 4 થી 5 પલ્ટિયો મારીને ભેંસને પીડામાંથી રાહત આપી જરૂરિયાત મુજબની સારવાર કરવામાં આવી હતી. આશરે બે કલાકની ભારે જહેમત બાદ પશુને આરામ મળ્યો હતો. અને વીયણની તકલીફ અને પીડામાંથી ભેંસને મુક્તિ અપાવી હતી.
પશુપાલક અને ગ્રામજનોએ ગુજરાત સરકારની દશ ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા ભેંસને બચાવી લેતા આ સેવાનો આભાર માન્યો હતો. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર હાર્દિક બારોટ અને પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલે પણ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગ્રામજનો આ સેવાનો વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.
ધાનેરા તાલુકાના વાલેર ગામમાં ફરતું પશુ દવાખાનાના તબીબોએ ભેંસને વિયાણની તકલીફ અને પીડામાંથી મુક્તિ અપાવી
Leave a Comment