વાવ થરાદ જિલ્લાના દિયોદર સ્થિત રામાપીર મંદિર પર હિંદવાણી પરગણા 84 ગોળના હિંદવાણી રોહિત દલિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું, જેમાં સમાજ સુધારાના હેતુસર 11 મુદ્દાવાળું નવું બંધારણ જાહેર કરીને તેનો અમલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. કાર્યક્રમમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.

સભામાં સમાજમાં પ્રચલિત કુરિવાજો, આડંબર અને અતિખર્ચાળ પરંપરાઓ ઘટાડીને શિક્ષણમુખી અને પ્રગતિશીલ દિશામાં આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત થયો. આગેવાનોના જણાવ્યા મુજબ આ બંધારણ સમાજમાં સમાનતા, એકતા અને આર્થિક સંતુલન સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
તાજેતરમાં અન્ય સમાજોમાં થયેલા સામાજિક સુધારાના પ્રયાસોને અનુસરી હવે આ સમાજે પણ સુધારાની દિશામાં સશક્ત પગલું ભર્યું હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું. સભામાં નવા નિયમોને સર્વસંમતિથી સમર્થન આપવામાં આવ્યું અને તેનો કડક પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

નવા બંધારણના મુખ્ય 11 નિયમો
- સગાઈ વિધિ: મહત્તમ 21 વ્યક્તિ હાજર રહેશે; કંકુ, શ્રીફળ, ₹1, નાડાછડી અને ચુંદડી-સાડી લઈ જવાની જ પરંપરા.
- લગ્ન વધાવો: માત્ર 11 વ્યક્તિ સવારે જ જશે.
- જાન વ્યવસ્થા: જાન સવારે જ લઈ જવી; 100 જાનૈયા મર્યાદા; 200 ગ્રામ ચાંદીની જાજરી, 200 ગ્રામ મંગળસૂત્ર અને સાદી બંગડી જ માન્ય.
- મામેરું: ₹11,000 થી ₹2,51,000 સુધી મર્યાદા.
- પુનર્લગ્ન: ₹400 દહેજ અને ચાંદીના દાગીના.
- મોસાળું: ₹11,000 થી ₹51,000 સુધી.
- ધર્મે લગ્ન: કન્યાના પિતાએ દાગીના આપવાના; મુરતિયાને સાદી બંગડી.
- દહેજ નિયમ: મુરતિયા પક્ષે ₹525; બદલે ઘરવખરી આપવી.
- કાચું સગપણ તૂટે તો: ₹25,000 દંડ.
- મરણ પ્રસંગ: ખીચડી-કઢી રાખવી અને વિધિ ચાર દિવસમાં પૂર્ણ; ભાતિ ₹10.
- દંડની જોગવાઈ: વસુલાતની રકમ શિક્ષણ પ્રોત્સાહન માટે વપરાશે.
કાર્યક્રમના અંતે આગેવાનોએ સંદેશ આપ્યો કે નવા બંધારણનું પાલન કરીને સમાજ શિક્ષણ, સંસ્કાર અને એકતાના આધાર પર આગળ વધે તે દરેક સભ્યની સંયુક્ત જવાબદારી છે. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને એકતા ભર્યા માહોલમાં પૂર્ણ થયો.