વાવ થરાદ જિલ્લાના દિયોદર (Diyodar)તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની લાંબા સમયથી બાકી પડેલી માંગણીઓના ઉકેલ માટે અનિશ્ચિત મુદતની હડતાળનો માર્ગ અપનાવ્યો છે. કાર્યકરોએ સ્પષ્ટ જણાવ્યું છે કે સરકાર તરફથી સકારાત્મક નિર્ણય ન લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

આંદોલનના ભાગરૂપે મોટી સંખ્યામાં કાર્યકરો તાલુકા પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પ્રતિનિધિમંડળે CDPO ને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી. કાર્યકરોનું કહેવું છે કે ત્રણે ઘટક ધરાવતી આંગણવાડી વ્યવસ્થા લાંબા સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહી છે, છતાં વારંવાર રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ મળ્યું નથી.
મુખ્ય માંગણીઓ
- કોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ
- કાર્યકર અને તેડાગરને માનદ વેતન પ્રણાલીમાંથી મુક્ત કરી વર્ગ–3 અને વર્ગ–4 કર્મચારી તરીકે સમાવેશ
- સરકાર દ્વારા મોબાઇલ ફોનની તાત્કાલિક પૂર્તિ

કાર્યકરોના જણાવ્યા અનુસાર વર્ષ 2022 દરમિયાન મોબાઇલ ફોન્સ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. હાલ તેઓને પોતાના વ્યક્તિગત મોબાઇલમાં નવી એપ્લિકેશન દ્વારા કામ કરવાની ફરજ પડે છે, જેને કાર્યકરો બિનઉપયોગી અને મુશ્કેલ ગણાવી રહ્યા છે.
આંગણવાડી બહેનોનું કહેવું છે કે જો તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે અને જિલ્લાકક્ષાએ પણ કાર્યક્રમો યોજાશે.