રાજધર્મ ફાઉન્ડેશનના સહયોગથી SAP ગ્લોબલ દ્વારા તારીખ 27/05/2023 થી 29/05/2023 દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે ત્રણ દિવસીય લેજિસ્લેટર એજ્યુકેશન કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના સાત રાજ્યોના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ધારાશાસ્ત્રીઓને કાયદા ઘડતર, સુશાસન અને જાહેર નીતિ અંગે અનુભવ પ્રદાન કરવા માટે કરાયું છે. આ પ્રવાસ દરમિયાન પ્રવીણ માળી દ્વારા ઓસ્ટ્રેલિયન ધારાસભ્યોની મુલાકાત કરશે અને શૈક્ષણિક સત્રોમાં ભાગ લેવાની સાથે જ કાયદાકીય પ્રક્રિયા વિશે સમીક્ષા પણ કરશે. તેમજ વિક્ટોરિયન સંસદ અને અન્ય સરકારી ઇમારતોની મુલાકાત પણ લેવામાં આવશે. તદુપરાંત ઓસ્ટ્રેલિયામાં કાયદાકીય પ્રક્રિયા વિશે જાણકારી મેળવશે અને કૃષિ ક્ષેત્રમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2 એપ્રિલ 2022ના રોજ હસ્તાક્ષર કરાયેલ અને 29 ડિસેમ્બર, 2022ના રોજથી અમલી બનેલ’મુક્ત વેપાર કરાર’ હેઠળ બંને દેશોના ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા બને અને વેપાર વાણિજ્ય ક્ષેત્રે સંબંધો સુદઢ બને તે માટેના કાર્યક્રમમાં પ્રવીણ માળી કાયદાકીય પ્રક્રિયા અને ઓસ્ટ્રેલિયન સરકાર અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરશે. ભારતના સાત રાજ્યોના ધારાસભ્યોમાં ગુજરાતમાંથી પ્રવીણ માળી પ્રતિનિધિત્વ કરાતા ડીસા અને બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ ગૌરવની વાત છે.