ગીર-સોમનાથના સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે વાડી વિસ્તારમાં પોતાના ખેતરે ગઇકાલે મોડી સાંજે 8 વર્ષીય પુત્ર તેના પિતાને ચા આપવા ગયો ત્યારે એક દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જયાં તેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
મમતા ની ત્રાડ સામે દીપડા એ ભાગવું પડ્યું ,
સૂત્રાપાડાના બરુલા ગામે વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં મનુભાઇ વાઢેર કામગીરી કરતા હતા. ગઇકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પત્ની મંજુબેન તેના 8 વર્ષીય પુત્ર આર્યનને લઇ ખેતરમાં ચા આપવા ગયા હતા. ત્યારે ખેતરમાં મંજુબેન જુવારના ક્યારામાં પાણી ભરાયું છે કે નહીં એ જોવા ગયાં ત્યારે ખેતરમાં રમી રહેલા આર્યનને પાછળથી આવેલા દીપડાએ મોઢેથી પકડતાં જ બાળક રાડારાડ કરતાં માતા મંજુબેને પુત્રને બચાવવા દોટ લગાવી દીપડા પર ત્યાં પડેલાં માટી-ધૂળનાં ઢેફાં ફેંક્યાં હતાં, જેથી દીપડો બાળક આર્યનને ત્યાં મૂકી ભાગી ગયો હતો.
દીપડાએ હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી હતી …
દીપડાએ મોઢેથી પકડ્યો હોવાથી આર્યનને શરીરના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી 108 સેવાને જાણ કરી તાત્કાલિક નજીકની સૂત્રાપાડા હોસ્પિટલે ખસેડી સારવાર આપવામાં આવી હતી. આ બનાવની વન વિભાગને જાણ કરતાં અધિકારીઓએ સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી હતી. દીપડાને પકડી પાડવા માટે એ વિસ્તારમાં પાંજરાં મૂકવાની કાર્યવાહી શરૂ કરી હતી.