- યુપી કોંગ્રેસમાં ઈનકમિંગ બંધ
- જિતિન બાદ પણ પાર્ટી બદલવાની ફિરાકમાં ઘણાં નેતા
- યુપી માટેના મિશન-2022માં કોંગ્રેસને પડશે મુશ્કેલી
યુપી કોંગ્રેસમાં નવા ચહેરા આવી રહ્યા નથી અને જૂના ચહેરાઓને કોંગ્રેસ સાચવી શકતી નથી. જેને કારણે યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મિશન-2022 ધુંધળું દેખાય રહ્યું છે. યુપી કોંગ્રસની કમાન એક રીતે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાસે છે અને તેમના માટે મિશન-2022 કપરા ચઢાણ જેવું ભાસી રહ્યું છે. યુપીમાં ચતુષ્કોણીય રાજકારણમાં કોંગ્રેસ માટે સંકટ ઘણું વધારે છે. 2022ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યુપીમાં કોંગ્રેસ માટે સંગઠન દુરસ્ત કરવાની સાથે પક્ષ છોડનારાઓને રોકવાનો બેવડો પડકાર સામે આવી રહ્યો છે. ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચુકી છે, તેવામાં પોતાના મોટા ચહેરાઓને કોંગ્રેસે બચાવવા પુરજોર કોશિશો કરવી પડશે.
ગત વિધાનસભા ચૂંટણીથી અત્યાર સુધીમાં યુપી કોંગ્રેસના ઘણાં મોટા ચહેરા પક્ષ છોડી ચુક્યા છે. તેમા તાજેતરનું નામ જિતિન પ્રસાદનું છે અને તે નામ છેલ્લું નથી. કોંગ્રેસની આંતરીક હલચલ પણ સંકેત કરી રહી છે કે ચૂંટણી પહેલા ઘણાં ચહેરા પક્ષપલ્ટો કરે તેવી શક્યતા છે. જિતિનપ્રસાદ જી-23નો ભાગ હતા અને ટોચના નેતૃત્વને ચિઠ્ઠી લખ્યા બાદ તેમને હાંસિયામાં ધકેલવામાં આવ્યા હતા. રાજ બબ્બર અને આરપીએન સિંહ પણ જી-23નો હિસ્સો રહ્યા અને આ ત્રણેય નેતાઓને ગત વર્ષ બનેલી કમિટીઓમાં કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. સંકેત સ્પષ્ટ છે કે નેતૃત્વ તેમને હાંસિયામાં નાખશે, તો તેઓ પણ પક્ષ છોડતા ખચકાશે નહીં.
કૉંગ્રેસને આત્મમંથનની જરૂરત ?
રાયબરેલીથી કૉંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અદિતિસિંહ અને હરચંદપુરના રાકેશસિંહની સદસ્યતા ખતમ કરવા માટે કોંગ્રેસ હાઈકોર્ટમાં કેસ લડી રહી છે. અદિતિસિંહ કહે છે કે હા, હું હજીપણ કૉંગ્રેસની ધારાસભ્ય છું. પરંતુ ગત ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં ઘણાં નેતાઓ કૉંગ્રેસ છોડી ચુક્યા છે. જિતિનપ્રસાદ કૉંગ્રેસનો મોટો ચહેરો હતા. યુવા અને સાફ છબી ધરાવતા નેતા છે. તેમના જવાથી કૉંગ્રેસને મોટું નુકસાન થવાના કયાસો લગાવાય રહ્યા છે. પાર્ટીમાં નારાજ થનારાઓની સુનાવણી થઈ રહી નથી. ટોચના નેતૃત્વના સલાહકાર આવા લોકોની વાત ઉપર સુધી પહોંચવા દેતા નથી. તેને કારણે કૉંગ્રેસને વધારે આત્મમંથનની જરૂર હોવાનું કહેવામાં આવે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ પણ પાર્ટીમાં મોટી સર્જરીની વાત કરી છે. તે પહેલા હતા યુપી કૉંગ્રેસનો ચહેરો, પણ હવે નથી- જિતિનપ્રસાદે 2021માં પક્ષ છોડયો છે. તેમના પહેલા 2020માં અન્નૂ ટંડન, 2019માં સંજયસિંહ, અમિતા સિંહ, રાજકુમારી રત્નાસિંહ, અમ્માર રિઝવી, 2018માં દિનેશ સિંહ અને 2016માં રીટા બહુગુણા જોશી કૉંગ્રેસ છોડી ચુક્યા છે.