થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે કડક નિર્ણય: દારૂ પીવા કે વેચવા પર ₹51,000 દંડ અને પોલીસ કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ તરફ એક મહત્વપૂર્ણ અને ઉદાહરણરૂપ પગલું લેવામાં આવ્યું છે. ગામના આગેવાનો અને ગ્રામજનોની વિશેષ બેઠકમાં નશામૂક્ત સમાજ માટે સંકલ્પબદ્ધ નિર્ણય લેવામાં આવ્યો છે.

અનુસાર, કોઈપણ વ્યક્તિ દારૂ કે અન્ય કેફી પદાર્થનું સેવન કે વેચાણ કરતો પકડાશે તો તેને રૂ. 51,000 દંડ કરવામાં આવશે અને સાથે જ તેને તાત્કાલિક પોલીસના હવાલે કરવામાં આવશે.

તેમજ, જો કોઈ દારૂ પીધેલી હાલતમાં ગામની હદમાં પ્રવેશ કરશે તો તેને પણ દંડ ફટકારવામાં આવશે અને ઘટના વિશે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવશે.

વિશેષ વાત એ છે કે જો પકડાયેલ વ્યસનગ્રસ્ત વ્યક્તિને છોડાવવા માટે કોઈ ગામજનો આગળ આવશે તો તેની પાસેથી પણ ₹11,000 દંડ વસૂલ કરવામાં આવશે.

આ નિયમોની અમલવારી માટે ખાસ રીતે કમિટીની રચના કરવામાં આવી છે, જે નિયમોના અમલ, દંડ વસૂલી અને કાયદાકીય કાર્યવાહી માટે જવાબદાર રહેશે.

અંતમાં, ગામના સમાજએ એકમતથી નિર્ણય કર્યો છે કે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેના ઘરમાં થતા સામાજિક પ્રસંગોમાં ગામ લોકો હાજરી આપશે નહીં — સામાજિક બહિષ્કારની વધુ એક કડક જોગવાઈ પણ અમલમાં મૂકાઈ છે.

ભલાસરા ગામનો આ દ્રઢ અને એકતાભર્યો નિર્ણય સમાજમાં વ્યસનમુક્તિ માટે પ્રેરણારૂપ દાખલો બની રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *