- બનાસડેરીની 19 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે,20 મી એ પરિણામ
- ચેરમેન શંકર ચૌધરીને હરાવવા વા.ચેરમેન,સાંસદ પરબત પટેલ મેદાનમાં
પાલનપુર સ્થિત એશિયાની સૌથી મોટી બનાસડેરીના 16 ડિરેકટર માટેની ચૂંટણીનું જાહેરનામું શનિવારે પ્રસિદ્ધ થતાંની સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે.ભાજપના જ ત્રણ દિગ્ગજો ડેરી પર કબજો જમાવવા મેદાનમાં આવી ગયા છે.તો બીજી બાજુ વર્તમાન ચેરમેન શંકર ચૌધરીને હરાવવા પૂર્વ સાંસદે પણ ઝંપલાવ્યું છે. ડેરીની ચૂંટણી માટે આગામી 22 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ થશે. 19 ઓક્ટોબરે મતદાન અને 20 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
બનાસડેરીની ચૂંટણીનું શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેના પગલે સહકારી ક્ષેત્રે ગરમાવો પ્રસર્યો છે. પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, ભાભર, દિયોદર, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઇગામ અને લાખણી એમ 16 ડિરેકટરના નિયામક મંડળની મુદ્દત 27 ડિસેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે ત્યારે તે પહેલા નવા નિયામક મંડળને ચૂંટી કાઢવા માટે હાઇકોર્ટના આદેશ મુજબ 22 સપ્ટેમ્બર થી 20 ઓક્ટોબર દરમિયાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અગાઉ બનાસડેરીની ચૂંટણી રાજ્ય સરકાર દ્વારા કોવિડને લઈ જાહેર કરાયેલી ગાઈડ લાઈન મુજબ યોજવા માવજીભાઈ દેસાઈએ હાઇ કોર્ટમાં 4/9/2020ના રોજ રાજ્ય સરકારને પ્રતિવાદી બનાવી દાદ માંગી હતી. જે અરજી ચાલી જતાં હાઈ કોર્ટે 11/9/2020ના રોજ અરજી નકારી દીધી હતી. આ ઉપરાંત ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી રોકવામાં આવતાં તેમણે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે ખુલ્લા આક્ષેપો કર્યા હતા. બીજી તરફ બનાસકાંઠા સાંસદ અને બનાસડેરીના ડિરેકટર પરબતભાઈ પટેલ પણ અંદરખાને શંકરભાઈ શંકરભાઈ ચૌધરી વિરુદ્ધ સોંગઠા ગોઠવવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલી ડેરીની સામાન્ય સભામાં પણ પરબતભાઇ અને શંકરભાઇ વચ્ચેનો ગજગ્રાહ ખુલીને સામે આવ્યો હતો
ચૂંટણી પ્રક્રિયાની
- ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 22 થી 29 સપ્ટેમ્બર
- યાદી પ્રસિદ્ધ કરવાની છેલ્લી તારીખ : 22 થી 29 સપ્ટેમ્બર
- ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ : 30-સપ્ટેમ્બર, સવારે 11 કલાકે
- માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવાની તારીખ : 1 ઓક્ટોબર
- મેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ : 8 ઓક્ટોબર
- આખરી યાદી પ્રસિદ્ધ કરવાની પ્રતિક ફાળવવાની તારીખ : 9 ઓક્ટોબર
- જરૂર જણાય તો મતદાન તારીખ : 19 ઓક્ટોબર
- મતગણતરી : 20 ઓક્ટોબર,સવારે 9-00 કલાકે કલેકટર કચેરી