સુલભ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્શન સોશ્યોલોજી એન્ડ સોશ્યોલોજી ઓફ સેનિટેશન દ્વારા બનાસકાંઠા જિલ્લાની ૩ શાળાઓમાં અભ્યાસ કરતી દિકરીઓને માત્ર ૩ રૂપિયાની નજીવી કિંમતે સેનિટરી પેડ મળી રહે તે માટે પ્રોજેક્ટ ગૌરવની શરૂઆત કરવામાં આવી છે. પાલનપુર ખાતે આવેલ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે શાળામાં અભ્યાસ કરતી દિકરીઓના હસ્તે આ પ્રોજેક્ટ ગૌરવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટના પ્રાંરભથી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા પાલનપુર, મોડેલ સ્કુલ દિયોદર અને મોડેલ સ્કુલ થરાદ ખાતે અભ્યાસ કરતી દિકરીઓ જાતે જ સેનેટરી પેડ બનાવીને જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરી શકશે.

આ પ્રોજેક્ટ ગૌરવના શુભારંભ પ્રસંગે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, સુલભ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્શન સોશ્યોલોજી એન્ડ સોશ્યોલોજી ઓફ સેનિટેશન દ્વારા જિલ્લાની ત્રણ સ્કુલોમાં દિકરીઓ જાતે જ સેનેટરી પેડ બનાવી શકે તેવા મશીન અને મટીરીયલ મુકવામાં આવ્યું છે. જેનાથી દિકરીઓ હવે જાતે જ સેનેટરી પેડ બનાવીને તેનો ઉપયોગ કરી શકશે. તેમણે કહ્યું કે, આપણી રૂઢીચુસ્ત માન્યતાઓને લીધે મહિલાઓમાં આવતા માસિક ધર્મ અંગે ખુલીને ચર્ચા કરવામાં આવતી નથી જેના લીધે મહિલાઓમાં ઘણા રોગો પણ થાય છે. તેમણે દિકરીઓને સેનેટરી પેડના ઉપયોગ અને અન્ય શાળાઓની દિકરીઓને તેના મહત્વ વિશે સમજાવવા તથા તેના વેચાણ માટે બીજી શાળાઓનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ કહ્યું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે ત્યારે બિઝનેશમાં પણ આગળ વધે તે માટે આ સ્કુલની વિદ્યાર્થીનીઓ સેનેટરી પેડનું વેચાણ દ્વારા નવી સ્કીલની તાલીમ પણ મેળવશે.

સિસાસ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી સોનમ મિશ્રાએ જણાવ્યું હતું કે, શાળાના કેમ્પસમાં જ સેનેટરી નેપકીન બનાવી નજીવી કિંમતે વિદ્યાર્થીનીઓને પુરી પાડવાના પ્રોજેક્ટ ગૌરવની આજથી બનાસકાંઠા જિલ્લાની ત્રણ શાળાઓમાં સફળતાપૂર્વક શરૂઆત કરાઇ છે. કચ્છ રેલ્વે કંપની લિમિટેડ, નવી દિલ્હી અને સુલભ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્શન સોશ્યોલોજી એન્ડ સોશ્યોલોજી ઓફ સેનિટેશનના સહયોગથી નેપકીન બનાવવાનું રો મટીરીયલ તથા જરૂરી મશીનરી પુરી પાડવામાં આવશે. જેથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાવ નજીવી કિંમતે સેનેટરી નેપકીન શાળામાંથી જ મેળવી શકશે. જેનાથી તેમના આરોગ્યને પણ ફાયદો થશે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, સરકારી ઉચ્ચત્તર માધ્યમિક કન્યા શાળા પાલનપુરના આચાર્યશ્રી બી. એન. પટેલ, રિઝવાનાબેન સહિત સંસ્થાના સભ્યો, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.