ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ વિશ્વ શાંતિ સોસાયટી તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણ થઈ ગયા હતા. જેના કારણે રસ્તો પણ સાંકડો થઈ ગયો હતો. દબાણદારોના કારણે આગળ આવેલી 6 થી 7 જેટલી સોસાયટીના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. જે મામલે ડીસા નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકાએ દબાણદારોને અત્યાર સુધી અનેકવાર નોટીસ આપી દબાણો દૂર કરવા જણાવ્યું હતું.તેમ છતાં વારંવાર નોટિસ આપવા છતાં પણ આજ દિન સુધી એક પણ દબાણદારે ગેરકાયદેસર દબાણ દૂર કર્યું નહોતું અને જ્યારે જ્યારે નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે જાય ત્યારે દબાણદારો દ્વારા વિરોધ દર્શાવવામાં આવતો હતો. ત્યારે આજે વહેલી સવારે ડીસા નગરપાલિકાની ટીમ,તેમજ ડિસા નગરપાલિકા ના ચીફ ઓફિસર જીસીબી મશીન સાથે સ્થળ પર પહોચ્યા હતા. અને 12 જેટલા કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા. દબાણ હટાવાની કામગીરી દરમિયાન ચીફ ઓફિસરે સહિત પાલિકાની ટીમ સાથે પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દબાણ હટાવાની કામગીરી દરમિયાન મકાનો તોડી પાડતાં ગરીબ પરિવારો ઘર વિહોણા બન્યા હતા.જોકે દબાણ હટાવાની કામગીરી દરમિયાન ચુંટાયેલા સભ્યો ગેરહાજર રહેતાં સ્થાનિકોમાં ભારે આંકોશ જોવા મળ્યો હતો.