અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત એલીસિયમ એડવેન્ચર બાઈકર્સ કોમ્યુનિટીના 18થી વધુ બાઈકર્સ દ્વારા ધાર્મિક અને સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રાની શરૂઆત અંબાજી તીર્થ દર્શન સર્કિટ કચેરીથી થઈ હતી, જ્યાં સૌ બાઈકર્સે અંબાજી તીર્થ વિશેની માહિતીસભર ડોક્યુમેન્ટરી નિહાળી હતી. ત્યારબાદ, તમામ બાઈકર્સે અંબાજી માતાજીના પવિત્ર મંદિરે દર્શન કરી આધ્યાત્મિક શાંતિનો વિશેષ અનુભવ કર્યો હતો.

યાત્રા દરમ્યાન બાઈકર્સે ગબ્બર પાછળ આવેલા સુંદર વ્યૂ પોઈન્ટની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો અનોખો આનંદ અનુભવ્યો હતો. ગુડા ગામ ખાતે સાહસિક એડવેન્ચર ટ્રેઈલનો રોમાંચક અનુભવ પણ મેળવ્યો હતો.
આ આધ્યાત્મિક-સાહસિક સફર દરમ્યાન રિછડિયા ડેમ, કમાક્ષી મંદિર, ગબ્બર અને કોટેશ્વર જેવા પવિત્ર અને દૃશ્યમય સ્થળોની પણ વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.

એલીસિયમ એડવેન્ચર બાઈકર્સ કોમ્યુનિટીના આ આયોજનથી અંબાજી તીર્થના દર્શન સાથે સાહસિક પર્યટનને પણ પ્રોત્સાહન મળ્યું છે. આગામી સમયમાં આ મુજબના વધુ પ્રવાસો દ્વારા અંબાજી વિસ્તારના ધર્મપર્યટન અને નેચર ટુરિઝમને વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.