ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ પુરજોશમાં જોર લગાવી રહી છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ બાદ હવે પાર્ટીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પણ મેદાનમાં ઉતાર્યા છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે 20 સપ્ટેમ્બરે વડોદરામાં ચૂંટણીલક્ષી પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલ અહીં ટાઉન હોલમાં સભા અને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે.જયારે બુધવાર 21 સપ્ટેમ્બરથી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં પરિવર્તન યાત્રા દ્વારા ચૂંટણી પ્રચારમાં સામેલ થશે. 21 સપ્ટેમ્બરે મનીષ સિસોદિયા અમદાવાદ પહોંચશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં યાત્રા કાઢશે.ઉલ્લેખનીય છે કે બધી જ રાજકીય પાર્ટી ચૂંટણી જીતવા માટે પ્રચાર કરી રહી છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સોમવારે મોડી રાતે ગુજરાત આવી રહ્યા છે અને 20-21 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, મોરબી અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.