ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી ભટકતી ગાયો આ કચરો ખાઈને જીવલેણ બીમારીનો ભોગ બની અંતે મોતને ભેટે છે.જયારે આજુબાજુમાં રહેતા લોકોને પણ ગંભીર બિમારીનો ભોગ બનવું પડે છે.ધાનેરાના અમુક ડોક્ટરોની બેદરકારી કે રૂપિયા બચાવવાની લ્હાયમાં જે મેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખે છે તેનો ભોગ ગાયો બની રહી છે,થોડા સમય પહેલા રેલ્વે ગરનાળા પાસે માર્કેટયાર્ડની પાછળના ભાગે બાયો મેડિકલ વેસ્ટનો કચરો જાહેર જગ્યાએ નાખવામાં આવતા તે બાબતે ધાનેરા નગરપાલિકાના કર્મચારી સહિત ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી એલ એન.સોમાણી તેમજ અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓની ટીમે સ્થળ ઉપર આવી બાયો મેડિકલ વેસ્ટનો કચરો જોઈ સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તેમ છતા આજે આસ્થા એનોરેકટલ હોસ્પિટલ દ્વારા પરીવાર મોલની પાછળના ભાગે ખુલ્લામા મેડિકલ વેસ્ટનો કચરો નાખવામાં આવ્યો હતો જેની જાણ ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એલ.એન. સોમાણી ને જાણ કરાતાં મેડીકલ ટીમ મોકલી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી અને નગરપાલિકા ને જાણ કરાતાં નગરપાલીકા દ્વારા પણ રૂપિયા પાંચસો નો દંડ વસુલવામાં આવ્યો હતો.લોકોમા થતી ચર્ચાઓ મુજબ અબોલ પશુઓ આ બાયો મેડિકલ વેસ્ટનો કચરો આરોગીને મોતના મુખમાં ધકેલાઈ રહી છે ત્યારે શુ સ્થાનિક તંત્રના અધિકારીઓ આ મેડીકલ વેસ્ટનો કચરો જાહેરમાં નાખનારાઓ સામે પાંચસો રૂપિયાના દંડના બદલે યોગ્ય કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાય તેતો આવનારો સમય બતાવશે ખરા….?