અંબાજી મેળામાં સેવાની સાથે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી મેળા માં કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દિવસમાં ત્રણવાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે મેળાના બીજા દિવસે રાતે દસ વાગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેના સીધા માર્ગદર્શન હેઠળ મેળાના વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ મેળા દરમિયાન કરવામાં આવી રહેલી સ્વચ્છતાની કામગીરીની વાત કરતાં જણાવ્યું કે, અંબાજી મેળામાં સ્વચ્છતા સમિતિ હેઠળ ચાર અલગ અલગ ઝોનમાં અંબાજીને વિભાજીત કરી સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ શિફ્ટમાં સવારે 7 વાગે, બપોરે 2 વાગે અને રાતે 10 વાગે સ્વચ્છતાની કામગીરી કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ સફાઈ કામદારોની ટીમ પુરી પાડવામાં આવી છે. જે ખૂબ જ તાલીમબદ્ધ છે અને આર્મીમાં હોય એ રીતે સ્વચ્છતાની કામગીરી સંભાળે છે. તેમની ટીમમાં એક સુપરવાઇઝર હોય છે, બે સ્વચ્છતા કર્મીઓ આગળ અને બીજા પાછળ એ રીતે યોજનાબદ્ધ કામ કરવામાં આવે છે. કચરો એકત્ર કરી, વાહનમાં નાખવો, પછી બ્રશીંગ કરવામાં આવે છે જેથી રોડ રસ્તા ચોખ્ખા બને છે અને આપણને સ્વચ્છતાનો અનુભવ મળે છે.

ઉપરાંત અંબાજી રૂટ પરની 23 જેટલી ગ્રામ પંચાયતો દ્વારા પણ સ્વચ્છતાની ટિમો મેળા દરમિયાન ફાળવવામાં આવી છે. અને અન્ય એજન્સીઓએ પણ સ્વચ્છતાની ટિમો ફાળવી છે. એમ કુલ મળી એક હજાર કરતાં વધારે સફાઈ કામદારો દ્વારા અંબાજી અને આસપાસના વિસ્તારમાં સફાઈની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરેએ લોકો અને પદયાત્રિકોને પણ મેળામાં સ્વચ્છતા જાળવવા અને યાત્રાધામની પવિત્રતા જાળવવા અનુરોધ કર્યો હતો.