ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વનડે સિરિઝમાં શ્રીલંકાને 3-0થી ક્લિન સ્વીપ આપી,ત્રીજી વનડેમાં શ્રીલંકાને આપ્યો 39 રનથી પરાજય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે યજમાન શ્રીલંકાને ત્રીજી અને અંતિમ વન-ડેમાં 39 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લિન સ્વીપ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે પ્રથમ વન ડે 4 વિકેટ અને બીજી વનડેમાં 10 વિકેટથી જીત મેળવી હતી. ગુરુવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 255 રન કર્યા હતા અને ત્યાર બાદ શ્રીલંકાને 47.3 ઓવરમાં 216 રનમાં જ સમેટી લીધું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે એક સમયે 124 રન પર પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આ પછી પૂજા વસ્ત્રાકર આઠમા ક્રમે આવી હતી અને તેણે અડધી સદી રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. પૂજાએ આ ઇનિંગથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પૂજા આઠમા કે તેથી નીચેના ક્રમે સૌથી વધુ ફિફ્ટી ધરાવતી મહિલા ક્રિકેટર બની ગઈ છે.22 વર્ષીય પૂજાએ 65 બોલમાં 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ત્રણ સિક્સર પણ ફટકારી હતી. આઠમા નંબર પર બેટિંગ કરતી વખતે પૂજાની આ બીજી અડધી સદી છે. આ ઉપરાંત તેણે નવમાં નંબરે પણ ફિફ્ટી ફટકારી છે. પૂજાએ હવે 8માં નંબર પર અથવા નીચલા ક્રમના નંબર પર ત્રણ અડધી સદી ફટકારી છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. પૂજા પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની નિકોલ બ્રાઉનના નામે હતો, જેના નામે આઠમાં નંબર પર બે અડધી સદી છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 75 રનની ઇનિંગ રમી હતી. તેણે 88 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરિઝ ટાઈટલ એનાયત કરવામાં આવ્યું હતુ. તે જ સમયે, સ્મૃતિ મંધાના 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી જ્યારે શફાલી વર્માએ 49 રનનું યોગદાન આપ્યું હતું અને યશ્તિકા ભાટિયાએ 30 રનનું યોગદાન આપ્યું હતું. પૂજા અને હરમનપ્રીતની જોડીએ 97 રનની ભાગીદારી કરી હતી. વન ડે શ્રેણી અગાઉ ભારતે ટી-20 શ્રેણી પણ 2-1થી જીતી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *