બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની ગરીબો પ્રત્યેની સંવેદનાની જિલ્લાવાસીઓ સરાહના કરી રહ્યા છે. દિવાળી, નૂતન વર્ષ અને ભાઇભીજ જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કલેકટરના નેતૃત્વમાં જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો સેવાયજ્ઞ આદરવામાં આવ્યો છે. બનાસકાંઠા કલેકટરે પાલનપુર શહેરમાં ફૂટપાથ પર રહેતા અત્યંત ગરીબ લોકોને ગુરૂવારે સાંજે મીઠાઇનું વિતરણ કર્યું હતું. કલેકટરે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી પરિવાર દ્વારા ફુટપાથ પર રહેતાં ગરીબ પરિવારોને સાંજનું ભોજન મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે 20થી 25 લોકોને ભોજન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગળ જતાં તેમની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી આ સેવા વિસ્તારવામાં આવશે. મીઠાઇ વિતરણ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, નાયબ મામલતદારો સહિત મહેસૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.