મોડાસા મામલતદાર કચેરીમાં ખોટા સિક્કા બનાવી ખોટો રેકર્ડ ઉભો કરવા મામલે મોડાસા નેત્રમ શાખામાં ફરજ બજાવી ચુકેલા અને મુડેટી ખાતે ફરજ બજાવતા એચ.એમ.ગઢવીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચાર દિવસના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ખોટા સિક્કા બનાવી રેકર્ડ ઉભા કરવા મામલે મોડાસા ડીવાયએસપી ભરત બસિયા તેમજ તેમની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને બુધવારના રોજ મુડેટી ખાતેથી પીએસઆઈ એચ.એમ.ગઢવીની અટકાયત કરાઈ હતી. ત્યારે પીએસઆઈને મામલતદાર બનવાનો શોખ ભારે પડી ગયો અને પોલિસ સંકજામાં આવતા પીએસઆઈના મોતિયા મરી ગયા સાથે સાથે એ લોકોના પણ મોતિયા મરી ગયા હશે કે જેમણે એચ.એમ.ગઢવીને સાથ આપ્યો હતો. હવે પોલિસ તપાસમાં કયા કયા નામ ખુલે છે તે પણ જાણવા લોકો ઇચ્છુક બન્યા છે.
અરવલ્લી જિલ્લાની વિવિધ રેવન્યુ વિભાગની કચેરીઓમાં ચાલતી કામગીરીથી લોકો પહેલેથી જ પરેશાન હતા પણ તંત્ર જાણે અજાણ હતું હવે આ સમગ્ર કૌભાંડનો પોલિસે પર્દાફાશ કર્યો છે ત્યારે કોના નામ ખુલે છે તેના પર મીટ મંડરાઈ રહી છે.
તારીખ 23-07-201 થી 08-07-2021 દરમિયાન અજાણ્યા ઇસમ આરોપીએ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર મોડાસા કચેરીના દાવા નંબર 689/21 તેમજ મનાઈ હુકમનો પત્ર તથા કચેરીનું લેટર પેડ બનાવી તેમાં માલતદાર મોડાસાના હોદ્દાના ખોટા ગોળ સીક્કા કરી મામલતદાર કચેરી મોડાસાની તરીકે ખોટી સહિયો કરી ખોટું રેકર્ડ ઉભુ કરવા મામલો સામે આવ્યો હતો. જેમાં મોડાસા મામલતદાર અરૂણકુમાર સુરજદાન ગઢવી પોતે ફરિયાદી બન્યા હતા અને સમગ્ર મામલે તપાસ ડીવાયએસપી દ્વારા કરવામાં આવી હતી ત્યારે પોલિસ તપાસમાં નેત્રમ શખામાં ફરજ બજાવતા તત્કાલિન પીએસઆઈ અને હાલ મુડેટી એસ.આર.પી. કેમ્પ ખાતે ફરજ બજાવતા એચ.એમ.ગઢવીની પોલિસે અટકાયત કરી હતી.
PSI ના રીમાન્ડમાં હવે શું થશે ખુલાસો તેની પર સૌની નજર…!!!
મોડાસા કોર્ટે ખોટા સિક્કા બનાવી મનાઈ હુકમ પત્ર આપવા મામલે પીએસઆઈના 4 દિવસના રીમાન્ડ મંજૂર કરતા હવે સઘન પૂછપરછ થવાની શક્યતાઓ છે ત્યારે મળતિયાઓએ હવાતિયા મારવાના શરૂ કરી દીધા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે પોલિસ પૂછપરછમાં કોના નામ ખુલે છે તે જાણવા લોકો ઘણા ઉત્સુક છે.
સળગતા સવાલો :-
કોના ઇશારે PSI એ ખોટા સિક્કાનો દુરુપયોગ કર્યો ?
કચેરીના સિક્કાનો ઉપયોગ થયો ત્યાં સુધી મામલતદાર કચેરીના અધિકારીઓને ગંધ કેમ ન આવી ?
શું કોઇના સાથ-સહકારથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું ?
PSI એચ.એમ.ગઢવી પ્યાદુ કે પછી માસ્ટર માઈન્ડ ?
જો PSI એચ.એમ.ગઢવી પ્યાદુ હોય પછી માસ્ટર માઈન્ડ કોણ ?
PSI ને સાકરિયાથી શું સંબંધ હતો કે ખોટા સિક્કાનો ઉપયોગ કરી હુકમ તૈયાર કર્યો ?