ડીસા તાલુકા પોલીસે મહાકાળી મંદિર નજીક થી સ્વીફટ કારની લૂંટ કરનાર તેમજ મદદગારી કરનાર ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી સોમવારે ડીસા કોર્ટમાં રજૂ કરતા મુખ્ય સૂત્રધાર ના ચાર દિવસ ના રીમાન્ડ મંજૂર તેમજ અન્ય બે આરોપીઓને પાલનપુર સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો છે.
તા. 11 જાન્યુઆરી ની રાત્રીના આઠેક વાગ્યાના સમયે ડીસા ના આખોલ ચાર રસ્તા નજીક આવેલ મહાકાળી મંદિર પાસેથી મોટર સાયકલ ઉપર આવેલ બે શખ્સોએ સ્વીફટ કાર રોકાવી કેમ ઓવરટેક કરે છે તેમ કહી સ્વીફટ કારના ચાલકને મારમારી સ્વીફટ કારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. જે અંગે કારના માલિક અને ડીસા શહેરના સ્પોર્ટસ કલબ રોડ ઉપર આવેલ લીલાશા નગર ખાતે રહેતા હરેશભાઈ ઉર્ફે હરેશશંકર પરમાનંદ ઉર્ફે પ્રેમાજી માળી એ પોતાની સ્વીફટ કારની લૂંટ થઈ હોવા અંગે ફરીયાદ નોધાવતા ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ પોલીસ ની જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફુટેજ ના આધારે તપાસ કરતાં ડીસાથી લૂંટી ગયેલ સ્વીફટ કાર રાજસ્થાન થી મળી આવી હતી. આથી પોલીસે લૂંટ માં સંડોવાયેલા ગોવિંદસિંહ બતુસિંહ વાઘેલા (રહે, ઝેરડા કેદારનગર તા. ડીસા, બનાસકાંઠા), કમલેશ ઉર્ફે કમલ બાબુલાલ મલારામ બિશ્નોઇ (રહે, ધોલીનાડી, તા. ગુડામાલાણી, જી. બાડમેર, રાજસ્થાન) અને મુકેશકુમાર રાજુરામ પન્નારામ બિશ્નોઇ (રહે, ધોલીનાડી, તા. ગુડામાલાણી, જી. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડી સોમવારે મોડી સાંજે ડીસા કોર્ટ માં રજુ કરવામાં આવ્યાં હતાં.
જેથી ડીસા કોર્ટ દ્વારા સ્વીફટ કારની.લૂંટ માં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર ગોવિંદસિંહ વાઘેલા (ઝેરડા) ને તા. 20 એટલે કે ગુરૂવાર સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે જયારે કમલ વિશ્નોઈ અને મુકેશ વિશ્નોઈ (રાજસ્થાન) ને પાલનપુર સબજેલમાં મોકલવામાં આવ્યાં છે તેમ પીઆઈ એમ.જે.ચૌધરી એ જણાવ્યું હતું.