દિલ્હીમાં રમાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40નાં નોંધપાત્ર સ્કોર સાથે પરાજય આપ્યો હતો. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગનાં અને તાપીમાં DLSS તેમજ આર્ટ્સ એન્ડ કૉમર્સ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતાં ઓપિનાર ભીલારે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતના મહોલ્લે મહોલ્લે રમાતી ‘ખો ખો’ જેવી ગ્રામીણ રમતને ‘માટી થી મેટ’ સુધી પહોંચાડવાના અને દેશની માટીની મહેંકને પ્રસરાવવાના ખો ખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રયાસને ગઈ કાલે અભૂતપુર્વ સફળતા મળી. પ્રથમ જ વિશ્વકપમાં ભારતની મહિલા અને પુરુષ બંને ટીમોએ નેપાળને પરાજ્ય આપ્યો.
મહિલા ટીમમાં સામેલ ડાંગની દીકરી ઓપીનાર ભિલારે, ડાંગ અને ગુજરાતનું નામ દેશ અને દુનિયામા રોશન કર્યું છે. બિલિઆંબા ગામની આ ખેલાડીએ લીગ રાઉન્ડની સાઉથ કોરિયા, ઈરાન, અને મલેશિયા સામેની મેચમાં તથા સાઉથ કોરિયા સામેની સેમી ફાઇનલ અને નેપાળ સામેની ફાઇનલ મેચમાં નવ નંબરની જર્સી સાથે ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, ટીમની જીતમા પોતાનું યોગદાન નોંધાવ્યું છે.
ગુજરાત ખો ખો ટીમની કેપ્ટન એવી ઓપીનાર ભિલારે, બેસ્ટ ડિફેન્ડર અને બેસ્ટ એટેકર તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.