[ad_1]
Updated: May 13th, 2024
કોરા ચેક મારફતે નાણાં ટ્રાન્સફર કરી લીધા
લોન મંજૂર કરાવી બારોબાર નાણાં ઉપાડી લેનાર શખ્સ અને બેંક અધિકારી સામે ગુનો નોંધાયો
નડિયાદ: મગનપુરાના શખ્સે મિત્રતાનો લાભ ઉઠાવી સણસોલીના વ્યક્તિ પાસેથી લોન મેળવવા કોરા ચેક રજૂ કરવાનું બહાનું બતાવી તેમના નામની ખોટી લોન અરજી બેંકમાં કરી લોન મંજૂર કરાવી લોનના નાણાં જમાં થતાં કોરા ચેક મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મહેમદાવાદ પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસે મગનપુરાના શખ્સ અને એસબીઆઈના અધિકારી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સણસોલીમાં રહેતા રમેશભાઈ પરમારના પિતા આતાભાઈ પુંજાભાઈ પરમારે તેમની સણસોલી સીમમાં આવેલી સર્વે નં.૮૪૪ જમીન પર લોન લેવાનું કામ મગનપુરામાં રહેતા રમેશભાઈ સોમાભાઈ ચૌહાણને સોંપ્યું હતું. જે માટે પાસબુક અને કોરા ચેક તેમને આપ્યા હતા. વર્ષ ૨૦૨૨માં આતાભાઈનું અવસાન થયા બાદ તેમના પુત્ર રમેશભાઈએ વારસાઈ કરાવવાની હોવાથી જમીનની નકલો કઢાવી હતી.
જેમાં રૂ.૧૦ લાખનો બોજો હોવાની નોંધ હતી. આ અંગે તેમણે રાસકાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં તપાસ કરતા તા. ૨૬ ફેબુ્રઆરી ૨૦૨૧માં આતાભાઈના ખાતામાં રૂ. ૫,૭૭,૯૦૦ની લોન જમા થઈ હોવાનું અને તે દિવસે તેમના ખાતામાંથી રમેશભાઈએ પોતાના ખાતામાં કોરા ચેક મારફત ટ્રાન્સફર કરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રમેશભાઈએ રાજેશભાઈ પાાસેથી પાસબુક અને કોરા ચેક પરત મેળવી લીધા હતા.
આમ છતાં, મારી પાસે સહી કરેલા કોરા ચેક છે, આ ચેક મારફતે નાણાં ઉપાડી લેવાની ધમકી આપી હતી.
તેવામાં એસબીઆઈ દ્વારા લોન વસુલાત માટે આતાભાઈ પરમારના નામે બે વખત ડિમાન્ડ નોટિસ મોકલી લોનની રકમમાં વ્યાજ સહિત રૂ. ૭,૭૧,૬૭૧ લેણા દર્શાવવામાં આવ્યા હતા. આ અંગે રમેશભાઈ પરમારની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે રાજેશભાઈ સોમાભાઈ ચૌહાણ અને એસબીઆઈના અધિકારી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]