શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગત જનનીના દ્વારે દરરોજ મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની શ્રદ્ધા અનુસાર માતાજીને ભેટ સ્વરુપ દાન પણ આપતા હોય છે. જેમાં રોકડ રકમ સહિત સોના-ચાંદી પણ સામેલ હોય છે. દેશ વિદેશથી આવતા માઇભક્તો માતાજીના ચરનોમાં સોના-ચાંદી સહિતના દાગીનાઓ માતાજીને ભેટ સ્વરૂપ અર્પણ કરતા હોય છે.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હવે ભેટમાં મળેલા સોનાના દાનને સરકારી સ્કીમમાં મુકવાનો વિચાર કર્યો છે. ગોલ્ડ મોનિટાઇઝ સ્કીમમાં હવે ભેટ મળેલું સોનું મૂકવામાં આવ્યુ છે. સરકારની યોજના અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ અત્યાર સુધી સાત તબક્કામાં આ સ્કીમમાં રોકાણ કરાયું છે. અત્યાર સુધી 167 કિલો સોનાનું રોકાણ આ સ્કીમ હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે તમામ આ સ્કીમમાં મુકેલા સોનાની જે રકમ આવશે તે અંબાજી મંદિર માટે વાપરવામાં આવશે. તો સાથે સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત તમામ મંદિરો સહિત સામાજિક કામો સહિત યાત્રિકોની સુવિધાઓ માટે વાપરવામાં આવશે.