ડીસા પંથકમાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર વાવાઝોડુ અને વરસાદ થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.ડીસા પંથકમાં આ વખતે ખેડૂતોએ બાજરીનું વ્યાપક વાવેતર કર્યું હતું અને ખેડૂતો સતત ત્રણ મહિનાથી મહેનત કરતા બાજરીનું સારુ ઉત્પાદન પણ થયું હતું પરંતુ વારંવાર વાવાઝોડું અને કમસમી વરસાદ થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ગત મોડી રાત્રે અને આજે વહેલી સવારે આવેલા ભારે પવન સાથેના વરસાદે બાજરીના પાકને નુકસાન પહોચાડ્યું છે.જ્યારે ખેડૂતો વરસાદના કહેરથી બચેલા બાજરી ના ડુંડા વીણવા લાગ્યા હતા.
કમોસમી માવઠા અંગે વરનોડા ગામના સંજય દેસાઈ એ જણાવ્યું હતું કે આ વખતે ઉનાળામાં વારંવાર કમોસમી માવઠું થયું છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી વાતાવરણ વાદળછાયું રહેતું હતું તેમજ આજે વહેલી સવારે જે ધોધમાર વરસાદ પડ્યો તેના કારણે ખેતરોમાં ઉભેલો બાજરીનો પાક ખરાબ થયો છે. જ્યારે બાજરી લણીને ખેતરમાં રાખી હતી તે પણ ખરાબ થઈ ગઈ છે હવે બચેલો પાક ભેગો કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમને આશા હતી કે આ વર્ષે બાજરીનું ખૂબ જ સારું ઉત્પાદન થયું છે એટલે સારા ભાવ મળતા મોટો ફાયદો થશે પરંતુ કુદરતના કહેર ના કારણે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે અમારી માંગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી નુકસાન થયેલા ખેડૂતોને સહાય આપે તેવી વિનંતી છે