બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ખાતે સમભાવ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. સ્વ. ભાનુબેન ભુપતભાઈ વડોદરીયા સારવાર કેન્દ્ર, પ્રમુખ વિધાલય , વિરમપુર ખાતે યોજાયેલા કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે ૧૦૦ કુપોષિત સગર્ભા બહેનો અને ૧૩૦ ટી.બી.ના દર્દીઓને પોષણકીટનું વિતરણ કર્યું હતું.મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વનવાસી ક્ષેત્રમાં સેવાની સુવાસ ફેલાવવાનું ઉત્તમ કામ કરનાર સદભાવ ટ્રસ્ટ અમદાવાદની સેવા ભાવનાને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સદભાવ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ તાલુકામાં કુપોષિત સગર્ભા માતા પોષણ સહાય અભિયાન તથા પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાનને આગામી પાંચ વર્ષ સુધી સેવારત રાખવાના સંકલ્પની સરાહના કરી હતી. તો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઘર ઘર સુધી પહોંચાડનાર આશા વર્કરો, આંગણવાડી કાર્યકર બહેનો અને આરોગ્ય કર્મચારીઓની કામગીરીની પણ મંત્રીશ્રીએ પ્રશંશા કરી હતી.કુપોષણના લીધે એકપણ માતા કે બાળકનું મૃત્યુ ન થાય એની ચિંતા કરતાં મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે ” મારુ ગામ કુપોષણ મુક્ત ગામ ” નું આહવાન કરતાં ગામના આગેવાનો, સેવાભાવી લોકો, આર્થિક રીતે સક્ષમ લોકો દ્વારા ગામના આરોગ્યની ચિંતા કરી સમગ્ર ગામને સ્વસ્થ બનાવવા માટેનો સંકલ્પ કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, સદભાવ ટ્રસ્ટ અમદાવાદના કિરણભાઈ વડોદરીયા સહિત વડોદરીયા પરિવારના સભ્યશ્રીઓ , આરોગ્ય કર્મચારીઓ અને લાભાર્થી સગર્ભાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.