પાલનપુર એમ.બી.કર્ણાવત હાઇસ્કુલ ખાતે ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભારતી બનાસકાંઠા દ્વારા આયોજીત ઔધોગિક સંમેલન યોજાયું હતુ. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના વેપારીઓને સંબોધતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગોને ફાયદો થાય તેવી નીતિઓ બનાવી છે. આ સરકારે નાના ઉદ્યોગકારોને ધંધો- રોજગાર શરૂ કરવા માટે શરૂઆતના ત્રણ વર્ષ સુધી લાયસન્સ લેવામાંથી મુક્તિ આપી છે. આ ઉપરાંત નાના પાયે ઉદ્યોગ શરૂ કરવા માટે વીજળી, લોન અને સબસીડી પણ આપવામાં આવે છે. જીઆઇડીસી વિસ્તારમાં ૩૦૦૦ ફુટ સુધીના પ્લોટ સબસીડીના દરથી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, આજે ૨૧ મી સદીમાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના આ યુગમાં સમય સાથે કદમ મિલાવીને ચાલીશું તો જ આગળ વધી શકાશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આપણા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને દેશ અને દુનિયા સમક્ષ મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્તુત કર્યુ છે. તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૦૨માં ગુજરાતનું બજેટ માત્ર ૨૬ હજાર કરોડનું હતું આજે વર્ષ- ૨૦૨૩માં રાજ્યનું બજેટ ૩ લાખ કરોડનું થયું છે. જે રાજ્યના ઔધોગિક વિકાસને આભારી છે. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ થવાનો છે એ બાબત ધ્યાનમાં રાખી સ્ટાર્ટ અપ શરૂ કરવામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય હોવાનું જણાવી તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં મોટોમાં મોટો એગ્રો પાર્ક બનાવવાનું આયોજન છે. જેનાથી જિલ્લાના વિકાસને વેગ મળશે. મંત્રીશ્રીએ ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવવાની પ્રતિબધ્ધતા દર્શાવતા કહ્યું કે, માત્ર પ્રશ્નો જ નહીં પરંતું પોલીસી બનાવી શકાય તેવા સુચનો આપી રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીએ. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઉભી થઇ છે. આત્મનિર્ભર ભારત અભિયાનથી સ્થાનિક ઉદ્યોગોને વિકાસની નવી તકો પ્રાપ્ત થઇ છે. મંત્રીશ્રીએ આવનારી પેઢીની ચિંતા વ્યકત કરતા જણાવ્યું કે, કુદરતી સંશાધનો ધીમે ધીમે ખલાશ થઇ રહ્યા છે ત્યારે આવનારી પેઢીની સુખ-સુવિધા માટે અને ઇંધણની બચત માટે ઉદ્યોગ ગૃહોમાં સોલાર પોલીસી અપાનાવવાની જરૂર છે.
આ સંમેલનમાં ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રીશ્રી પ્રકાશચંદ્ર ગુપ્તા, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રદેશ અધ્યક્ષશ્રી શ્યામસુંદરભાઇ સલુજા, બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળના પ્રમુખશ્રી શિવરામભાઇ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી બનાસકાંઠાના પ્રમુખશ્રી રજનીભાઇ ગામી, બનાકસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળના પ્રમુખશ્રી ઇશ્વરભાઇ કરણાવત સહિત જિલ્લાના વેપારીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.